________________
ઇચ્છાઓ બે રીતે ઘટે : શારીરિક લાચારી વધે તેથી મનમાં ઊગતી દરેક ઇચ્છાને પૂરી કરવાની શક્યતા ન રહે, તે કારણે ઇચ્છાઓને દબાવી રાખવી પડે તે એક પ્રકાર. અને બીજો પ્રકાર એ કે ધર્મનો અનુભવ થતો જાય તેમ સમજણ વિકસતી જવાથી ઇચ્છાઓની અસારતા કે અયોગ્યતા સમજાતી જાય, દરેક ઈચ્છા પૂરી કરવાનો આગ્રહ ઘટતો જાય, અને તે રીતે ઈચ્છાઓ આપમેળે ઓગળતી જાય.
| વિવેકી મનુષ્ય તેનું નામ કે જે ઉપરના બન્ને પ્રકારોને સમજતો હોય અને પોતાની ઇચ્છા શા કારણે ઘટી છે તેની સ્પષ્ટ સમજ તેના મનમાં વર્તતી હોય.
ઇચ્છા ઘટે, તો જ મમત્વ તૂટે. મમત્વ ઓગળે, તો જ અહંકાર ઓછો થાય. અને આ ત્રણે વાનાંનો હ્રાસ થવો તે જ ધર્મસાધના છે.
ચિત્ત આટલી સાદી સમજણને હવે ઝંખે છે. આવી સાધના હવે જો ગમી જાય, ચિત્તમાં જામી જાય, તો આ ક્ષણભંગુર જીવન પણ સાર્થક અને સંતૃપ્ત બની જાય. તે દિન ક્યારે આવશે?
(પોષ-૨૦૧૩)
ધર્મચિન્તના
?