________________
૧૦
જૈનો ! સાવધાન જૈનશાસન એ આત્માનું શાસન છે. આત્માને પામવો એ આ શાસનનો લક્ષ્યાંક છે.
પુદ્ગલ અને તેના પ્રત્યેની મમતા/આસકિતનો ક્રમિક ત્યાગ કરતાં રહીને છેવટે તેનો સર્વથા ત્યાગ કરવાની પ્રક્રિયા દ્વારા જ આ લક્ષ્યાંક સર થઈ શકે તેમ છે, એવી તાત્ત્વિક સમજણ એ આ શાસનની આરાધનાનો પાયો છે.
આ શાસનના સાધકોને કોઈ દુન્યવી હેતુ કે લક્ષ્યાંકો સર કરવાના નથી હોતા. સત્તા, સંપત્તિ કે અધિકારોની પ્રાપ્તિ માટે કે પછી અનુયાયીઓની સંખ્યા વધારવા માટે આ શાસનની ઉપાસના નથી, એટલી આ શાસનના સામાન્યમાં સામાન્ય અથવા અબુધમાં અબુધ ભક્તને પણ ખબર છે અને સમજણ છે.
જગતના દરેક ધર્મ અને સંપ્રદાયના લોકો પોતાના અધિકારો માટે લડે છે. પોતાની સત્તા તથા લાગવગ કે પહોંચ વધારવા માટે કટિબદ્ધ જોવા મળે છે. તો અમુક અમુક ધર્મો તો પોતાના અનુયાયીઓની સંખ્યા કેમ વધે, બીજા બધા ધર્મોને છોડીને પોતાના ધર્મમાં જ કેમ વધુ માણસો દાખલ થાય, તેની જ ફિરાકમાં હોય છે. પ્રલોભનો આપવા દ્વારા, છેતરપિંડી દ્વારા અને છેવટે ધાકધમકી કે બળજબરીથી અન્ય ધર્મવાળાઓને વટલાવવા અને પોતાના ધર્માનુયાયી બનાવવા, એ આવા લોકોનું મિશન અથવા લક્ષ્યાંક હોય છે.
વાત પણ સાચી છે. જેમના ધર્મમાં આત્મા નામની ચીજનું કોઈ અસ્તિત્વ ન હોય, પરલોક અર્થાત્ મોક્ષ જેવી કોઈ સ્થિતિનો સ્વીકાર જ ન હોય, ફક્ત આ જનમમાં સત્તા, સંપત્તિ, સુખ અને સગવડ મેળવીને લહેર કરવામાં જ ધર્મનો ઉપયોગ હોય, ભોગ ભોગવવા અને બીજા જીવોના ભોગે સુખ ભોગવવું એ જ એવા ધર્મની ફળશ્રુતિ હોય, તેવો ધર્મ આવી હીન અને નકારાત્મક કે અમાનવીય પ્રવૃત્તિ ન કરે તો કરે પણ શું બિચારો ?
ધર્મ ભૌતિક હેતુઓ માટે જ હોય' એવું ગણિત જૈન હોય એવી કોઈ વ્યક્તિના ગળે ઊતરે નહિ, એ નિશ્ચિત છે. પરંતુ આવા ભૌતિકવાદી ધર્મને માનનારાઓ હવે આપણા મોક્ષમાર્ગી ધર્મશાસન ઉપર હુમલો કરવાની તૈયારીમાં છે, એ વાત આત્માર્થી જનને ભારે ચિંતા પ્રેરે તેવી છે. ગરીબ, પછાત અને અબોધ માનવસમૂહોને વટલાવવાની પ્રવૃત્તિ તો દાયકાઓથી ચાલી જ રહી છે.
ધર્મચિન્તન