________________
2
ચાતુર્માસની મોસમ બરાબર જામી છે. આ લખું છું ત્યારે વરસાદ ચાલુ છે. પહેલાં અતિવૃષ્ટિ અને ખાનાખરાબી, પછી અસહ્ય ગરમી, અને હવે અચાનક વરસાદ - બધું ઋતુચક્ર અસ્તવ્યસ્ત થઈ પડ્યું છે. મુંબઈ અને મહારાષ્ટ્ર બાજુ અતિવર્ષા વગેરેને કારણે કુદરતી આપત્તિનો પ્રકોપ અનુભવાયો છે. શંકા જાગે કે કુદરતે પોતાનું ત્રીજું નેત્ર તો નથી ખોલ્યું ? અતિવર્ષા, પૂર, આને કારણે રોગચાળો અને લીલો દુકાળ સરજાશે તો હાહાકાર મચી જશે, એવી દહેશત હવે જાગે છે.
આ બધી આપત્તિઓ શમી જાય, પાછી વળે, અને કોઈપણ ભાગ એનો ભોગ ન બને તે માટે, આપણે સહુએ હમેશાં પ્રભુસમક્ષ પ્રાર્થના કરવાની છે કે, શિવમસ્તુ સર્વજગતઃ-આ બધા ઉપદ્રવો શાન્ત થઈ જાય અને બધે જ બધાં સુખશાન્તિ પામો ! કોઈનું ય અશુભ ન થજો! પ્રભુજીની પરમપાવની કરુણા સૌ ઉપર સતત વરસતી રહેજો અને સહુનું શુભ-મંગળ થજો!' આટલી પ્રાર્થના ૨૪ કલાકમાં ઓછામાં ઓછી એકવાર તો બધા કરજો જ. આવી પ્રાર્થનાથી આફતમાં સપડાયા હોય તેનું તો શુભ થશે જ, સાથે આપણું પોતાનું પણ શુભ થશે અથવા અશુભ થતું અટકશે. બીજી કોઈ મદદ કરવાનું શક્ય ન રહે, ત્યારે સાચા દિલની પ્રાર્થના જ સુયોગ્ય અને આવશ્યક મદદરૂપ બની રહે છે.
એક વાત ખાસ સમજી લેવાની છે. આપણને સહુ કોઈના શુભ તથા મંગલથી ઓછું કશું જ ખપતું નથી. ‘અમુક ઠેકાણે નુકસાન થયું તો ભલે થયું, અમુકને તકલીફ પડી તો સારું જ થયું, એ એ જ દાવના હતા', આવા નબળા વિકલ્પો કે વિચારો મનમાં પેસી ન જાય કે આવી વાણી મુખેથી નીકળી ન જાય તેની ખાસ કાળજી રાખવાની છે. આપણે જૈન છીએ, જિનેશ્વરદેવે ત્રણે જગતના પ્રત્યેક જીવાત્માનું કલ્યાણ કરવાનો દૃઢ સંકલ્પ કર્યો હતો. એટલું જ નહિ, આપણને પણ તેમણે પોતાના ઉપદેશ દ્વારા શીખવ્યું છે કે તમે જો જિનમાર્ગના મુસાફર હો તો અન્ય સહુ કોઈનું ભલું કરવામાં જ નિમિત્ત થજો, સહાયક થજો, પણ કોઈનુંય બૂરું ઇચ્છશો નહિ, કરશો નહિ. આ વાત જો આપણે ગળે બરાબર ઊતરી જાય તો આપણને ત્રિપાંખિયો લાભ થાયઃ ૧. જૈનશાસન બરાબર પરિણમી જાય, ૨. આપણા હાથે અન્યનું અશુભ થતું અટકી જાય, ૩. સરવાળે, આપણું શુભ જ થાય.
ચાતુર્માસ