________________
ચાતુર્માસની મોસમ બરાબર ચાલુ થઈ ગઈ છે. તપ, ક્રિયા, ધર્મશ્રવણ અને સત્સંગ વગેરે ધર્મઆરાધનામાં તમે બધા રૂડી રીતે પરોવાઈ ગયા હશો તેવી ખાતરી રાખવી ગમે છે. વરસાદની દષ્ટિએ અછત અને દુષ્કાળની પરિસ્થિતિ લગભગ આખા ભારતમાં અનુભવાઈ રહી છે. આવતીકાલે શું થશે તેની કલ્પના પણ બીહામણી લાગે છે. પરંતુ આરાધનાની દૃષ્ટિએ તો લગભગ બધે જ, વિશેષતઃ જ્યાં સાધુ ભગવંતોનો યોગ છે ત્યાં, ચોમાસું રૂડું જામી રહ્યું હોવાનું જણાય છે, જે ખૂબ મોટા આશ્વાસનરૂપ છે. આ વિષમ દેશ અને કાળમાં એકમાત્ર આશ્વાસન ધર્મનું છે. આવતીકાલે શું થશે તે તો માત્ર જ્ઞાનીગમ્ય છે. પરંતુ જે પણ થાય આપણું, તે ધર્મ કરતાં કરતાં થાય તે જ જોવાનું છે. આખો સંસાર ભલે વિચલિત હોય કે થાય, પણ ધર્મ તો હંમેશા અને નિશ્ચયે નિશ્ચલ છે અને રહેશે. માટે શક્ય વધુ આરાધના કરવાનું લક્ષ્ય બનાવજો.
ધર્મની યથાર્થ સાધના કરવા માટે ચિત્તમાં સમતા અને વિવેક નામનાં તત્ત્વો વિકસાવવાં અત્યંત આવશ્યક ગણાય છે. આ બે વાનાં વિકસાવી શકાય તો નાનો દેખાતો ધર્મ પણ ખૂબ મહત્ત્વનો અને શ્રેષ્ઠ બની જાય. અને આ બે વાનાં ન કેળવ્યાં હોય તેનો મોટો ગણાતો – દેખાતો ધર્મ પણ તુચ્છ અને નગણ્ય જ બની રહે.
સમતા અને વિવેક પામવા માટે કેટલાંક અનિષ્ટ તત્ત્વોને આપણા સ્વભાવમાંથી ટાળવાં પડે. જેવાં કે તોછડાઈ, અહંકાર, ઉદ્ધતાઈ, જિદૂદ, ગુસ્સાનો આવેશ અને આવેગ, ગમે ત્યારે ગમે તેવો બકવાસ કરવાની ટેવ, આપવડાઈ, સ્વાર્થ, બદલો લેવાની હલકી મનોવૃત્તિ, પરપીડનવૃત્તિ, નારદવિદ્યા, લુચ્ચાઈ, જૂઠ – આ બધાં અનિષ્ટો બડા ખતરનાક છે. અને આ બધાંથી પણ ચડિયાતું અનિષ્ટ તો આ : “મારામાં તો આમાંનું એક પણ અનિષ્ટ છે જ નહિ, એવી માન્યતા.”
જરા અંદર ઊતરીને જાતતપાસ કરીશું તો ખ્યાલ આવશે કે મારામાંઆપણામાં આટલાં જ નહિ, પણ આવાં આવાં કેટકેટલાં બૂરાં અનિષ્ટો ભર્યા પડ્યાં છે! હા, પોતાની જ ઊલટ તપાસ કરતા આવડતું હોય તેને માટે જ આ શિખામણ કામની છે. જેને આવી પરખ કરતાં આવડતી જ ના હોય, અથવા આવી પરખ (પોતાની) કરવાનું રચતું જ ન હોય, અથવા મારામાં તો આવું
ચાતુર્માસ