________________
ચોમાસાનો અવસર એ આત્મા માટે લક્ષ્ય બાંધવાનો અવસર ગણાય. આપણું જીવન લક્ષ્યવિહોણું છે. આપણા દ્વારા થતી તમામ પ્રવૃત્તિઓ, ધર્મકરણી પણ, મોટાભાગે, લક્ષ્યવિહોણી હોય છે. ક્યારેક જ અને કોઈકને જ, પોતાનું લક્ષ્ય સમજાતું હોય છે, અને લક્ષ્યને નજર સમક્ષ રાખીને પ્રવૃત્તિ કરતા હોય છે. બાકી બધું જબધાં જ લક્ષ્યહીન થતું/કરતાં રહે છે.
આપણું લક્ષ્ય શું છે ? અથવા શું હોવું જોઈએ? એ જ પ્રથમ નક્કી કરવું જોઈએ. લક્ષ્ય વિનાની રમત નકામી, તેમ લક્ષ્યવિહોણું જીવન પણ નકામું.
મનુષ્યમાત્રનું લક્ષ્ય હોય ઃ ચિત્તની શુદ્ધિ અને તે દ્વારા આત્માની ઉન્નતિ. ચિત્ત ચોખ્ખું થાય તો જ આત્મામાં સદ્ગુણો પ્રગટે તથા રહે, અને તો જ આત્માની ઉન્નતિ થઈ ગણાય.
આપણું ચિત્ત કેટલું બધું મલિન છે ! એમાં કેટકેટલા દુર્ભાવો ભર્યા છે! રાગ છે ને દ્વેષ છે. મારું છે ને તારું છે. ઈર્ષ્યા છે ને રીસ પણ છે. વિષયો ભર્યા છે તો કષાયો પણ અભરે ભર્યા છે. આવાં આવાં અસંખ્ય મલિન તત્ત્વોથી આપણું ચિત્ત ને આપણું જીવન ગંધાય છે, છલકાય છે.
આ બધી મિલનતા મટે તો જ ચિત્તશુદ્ધિ શક્ય બને. કમભાગ્યે આપણું ધ્યાન આપણી આ બધી મલિનતા પ્રત્યે જતું જ નથી, અને પાછો આપણને એનો રંજ પણ થતો નથી!
ચાતુર્માસની મોસમ એટલે આપણાં ચિત્તની મલિનતાને પરખી લેવાની મોસમ. આ દિવસોમાં સાધુ ભગવંતો પૌષધનો ને સામાયિકનો, ત્યાગનો ને તપનો વિવિધ પ્રકારે ઉપદેશ આપશે. બધું અવનવું કરાવશે તેની પાછળનું રહસ્ય એક જ ઃ આ બધી શુભ કરણી કરતાં કરતાં ચિત્તના મેલને ઓળખવો, અને ધીમે ધીમે તેનો નિકાલ થાય, તે નાશ પામે તેવો ઉદ્યમ કરવો.
તમારા જીવનનું વધુ એક ચોમાસું પુણ્યના ઉદયે આવી રહ્યું છે. જે પણ રીતે બને તે રીતની ધર્મ આરાધનામાં મનને તનને પરોવજો, અને મનમાં પ્રવેશેલા મેલને દૂર કરવાની ભરપૂર મહેનત અવશ્ય કરજો.
(અષાઢ-૨૦૫૬)
ચાતુર્માસ