________________
४८
અમારા સમુદાયના પરમગુરુ શાસનસમ્રાટ શ્રીવિજયનેમિસૂરિ દાદાએ સાધુઓ માટે ઠરાવેલા નિયમોમાં એક નિયમ એ છે કે, આદ્ર નક્ષત્ર બેસે તે પહેલાં વિહાર આટોપીને નિર્ધારિત ક્ષેત્રમાં પહોંચી જવું. આ નિયમ એટલો બધો વાસ્તવિક અને વાજબી છે કે, તેનો અનુભવ અનેકવાર થયો છે. મોસમનો પહેલો વરસાદ લગભગ ૨૦ જૂન સુધીમાં થતો જ હોય છે. પહેલા વરસાદને કારણે સમગ્ર ધરતી જળબંબાકાર થાય અને તેથી જંગલો અને ખેતરોમાં જમીનની નીચે વસનારાં અસંખ્ય જીવ-જંતુઓનાં બિલ, દર, રહેઠાણોમાં પાણી ભરાઈ જાય. તેનાથી મૂંઝાયેલા એ જીવો બહાર અને રસ્તા પર આવી જાય - નિરાશ્રિત બનીને. રસ્તા એ જીવોથી એવા તો ઉભરાય કે પછી રસ્તા પર દોડતાં વાહનો તળે તે જીવો કચડાઈને ખલાસ થઈ જાય અને એવા જીવતાં અને મરેલાં અસંખ્ય જીવોથી છવાયેલા રસ્તા પર ચાલવાનું આવે ત્યારે કેવી ભયાનક વિરાધના થાય તે તો કલ્પનાતીત જ છે. આ વિરાધનાથી બચવા માટે જ શાસનસમ્રાટ ગુરુભગવંતે આવો નિયમ સ્વીકાર્યો છે. અને આ નિયમ કેટલો બધો હિતકારી અને વિરાધનાથી બચાવનારો છે તેનો અનુભવ તો પ્રત્યેક વર્ષે આ મોસમ આવે ત્યારે, તેનું પાલન કરનારા કે નહિ કરનારા – દરેકને થાય જ છે. વસ્તુતઃ તો આવો શ્રેષ્ઠ નિયમ સ્વીકારનાર પરમગુરુ પ્રત્યે મસ્તક ઝૂકી જ જાય છે.
ચોમાસામાં શત્રુંજય ગિરિરાજની યાત્રા ન કરવી, એવી શ્રીસંઘ દ્વારા સ્થાપિત - સ્વીકૃત પરંપરા પાછળ પણ આવો જ આરાધનાનો, વિરાધનાથી બચવાનો, આશય હોવાનું સમજાય છે. સ્વાભાવિક રીતે જ વર્ષાકાળમાં સંમૂર્ણિમ ત્રસ જીવોની ઉત્પત્તિ થતી હોય છે. તો સાથે સાથે અનંતા સ્થાવર જીવો પણ વ્યાપી જ જવાના. પહાડ ચડીએ તો ત્રસ-સ્થાવર જીવોની વિરાધના અવશ્ય થાય જ. તેથી બચવા માટે પૂર્વના મહાપુરુષોએ નક્કી કરી આપ્યું કે ચાતુર્માસમાં યાત્રા ન કરાય. સાર એ કે, દરેક પરંપરા અને નિયમ પાછળ કોઈને કોઈ ઉમદા આશય તથા આરાધનાનો હેતુ રહ્યો જ હોય છે. તેને ન સમજી શકીએ અથવા સમજવા છતાં જાણીબૂઝીને પોતાના કદાગ્રહ ખાતર તેનો તિરસ્કાર કે અસ્વીકાર કરીએ, તો તેમાં યાત્રાની આરાધનાનો લાભ નથી, પરંતુ મહાપુરુષોની અને શ્રીસંઘની વિરાધનાનું મહાપાપ જ થાય છે, એટલું વિવેકી આત્માએ સમજી લેવું ઘટે. અસ્તુ.
(અષાઢ-૨૦૬૧)