________________
આ પછી તેમણે આ દેવ અને તેમના માર્ગનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરતાં, ગુરુએ તેમને દેવ-ગુરુ-ધર્મનાં તત્ત્વોનો પરિચય કરાવ્યો, અને જિનકથિત અહિંસામય સંયમ માર્ગ પણ સમજાવ્યો. એ વર્ણન સાંભળતાં જ વાક્ષતિ કવિનું હૃદય ઉલ્લસિત થયું. તેમણે તે જ પળે, તે જ સ્થાને, ત્રિદંડાદિનો ત્યાગ કરીને જૈન મુનિદીક્ષા ગ્રહણ કરી, અને પરમાત્મા પ્રત્યે ભાવવંદન કરીને તેમણે આ પ્રમાણે સ્તુતિગાન ઉચ્ચાર્યું :
કસ્તુરીનાં વિલેપન તો આ લલાટ પર ઘણાં કર્યો, પણ તે બધાં જ આજે નિષ્ફળ લાગે છે. હવે તો એક જ ઇચ્છા થાય છે : જિનેશ્વર વીતરાગના ચરણ સમક્ષ મસ્તક નમાવું અને તેમનાં ચરણની રજણનું વિલેપન મારા લલાટ પર થયા કરે.”
ગુરુને પણ, આવા ઉત્તમ જીવને સન્માર્ગે વાળ્યાનો અને આત્મકલ્યાણ સધાવ્યાનો પરિતોષ થયો. ઉંમરના કારણે થોડા જ વખતમાં તે વૃદ્ધ કવિ-સાધુનું આયુષ્ય ક્ષીણ થતાં, મથુરામાં જ, ગુરુએ સ્વમુખે તેમને અન્તિમ આરાધના કરાવી, અને અઢાર પાપોને વોસરાવવાપૂર્વક તથા સર્વ જીવોને ખમાવવાપૂર્વક તે મુનિવરે પરલોકના પંથે પ્રસ્થાન કર્યું.
આપણે પણ પ્રાર્થના કરીએ કે આ લલાટ પર, લમણાં પર, પાપની ધૂળ તો ઘણી ચોંટી અને લગાડી. હવે તો પ્રભુના મંદિરમાં જઈને તેમના આસન સમક્ષ મસ્તક નમાવી તેને ભોંયસરનું ચાંપી દઈએ. ત્યાં વેરાયેલી પ્રભુની ચરણરજ સાથે તથા સકલસંઘની ચરણરજ સાથે માથું ઘસીએ. તે રજકણને મસ્તકે જડી દઈએ, કે જેથી આપણાં ભવોભવનાં પાપકર્મોની રજ ઉખડવા માંડે, અને આત્માનું કલ્યાણ શીધ્ર સાધી લઈએ.
(કાર્તિક-૨૦૬૦)