________________
પોતાનું રહેઠાણ પડી ગયું હોય, ઘરનાં બાકીના બધા જ સભ્યો દટાઈ મર્યા હોય અને છતાં આ સંકટ નિમિત્તે મળતી આર્થિક સહાયનો અસ્વીકાર કરે, અને વિનયપૂર્વક કહે કે મારા કરતાં વધુ જરૂરતમંદને આપજો”, આવાં ઉદાહરણો ઠેરઠેર બન્યાં છે.
તો એની સામે, વિકૃત અને ક્રૂર વલણો પણ જોવા મળ્યાં છે. એક સરકારી (એસ.ટી.) બસ રાજકોટની દિશામાં વહી રહી હતી. તેમાં બેઠેલા પ્રવાસીઓને અચાનક માથાફાટ દુર્ગધ આવવા માંડી. અસહ્ય બનતાં તલાશ આદરી, તો એક સ્ત્રીની પાસેના પતરાના ડબ્બામાં, કોઈના હાથનાં તો કોઈના પગનાં આંગળાં (કાપી લીધેલાં) ભરેલાં જોવા મળ્યાં. આંગળાં પરના દાગીના કાઢવાનો સમય નહિ રહ્યો હોય તેથી મૃતકોના જે તે દાગીના ધરાવતા. અવયવો જ કાપી લીધેલાં, અને ડબ્બો ભરીને લઈ જઈ રહેલી એ બાઈ.
આ કેવી ભયંકર વિકૃત મનોદશા ! આફતના અવસરે જ મનુષ્ય-હૃદયની સંસ્કૃતિ કે વિકૃતિ અનાવૃત થતી હોય છે.
(વૈશાખ-૨૦૧૭)