________________
આપણે જૈન છીએ. જૈન ધર્મનો પાયો જીવદયા છે. હિંસા પ્રત્યે અરૂચિ ન હોય તેને જૈન ગણવો એ માત્ર ભ્રમણા છે. પણ તપાસવાનું એ છે કે આપણે જીવદયાનું પાલન કરીએ છીએ ખરા? આપણી જીવદયા માત્ર “જીવદયાની ટીપ’ થાય ત્યારે થોડા-ઝાઝા રૂપિયા લખાવી દેવા પૂરતી જ મર્યાદિત છે. આપણા રોજિંદા જીવનક્રમમાં, ખાણીપીણીમાં જીવદયાને ઝાઝું સ્થાન નથી. બલ્બ ખબર પડે કે આ અભક્ષ્ય છે, આમાં હિંસા છે, તો પણ “એ તો ચાલ્યા કરે, એવું બધું નહિ જોવાનું, આપણે ક્યાં દીક્ષા લીધી છે?” આવો જ ભાવ મનમાં અને મોંમાં રમતો રહે છે. શું આપણે ખરેખર “જૈન” છીએ?
આઈસ્ક્રીમ, ઠંડાં પીણાં, વિવિધ બિસ્કિટો તથા ચોકલેટ-કેડબરીઝ – આવાં અનેક પદાર્થો એક યા બીજા સ્વરૂપે પ્રાણીજન્ય ચરબી કે ઈંડાનો રસ વગેરે પદાર્થો ધરાવે છે. અને આ બધાં વિના આપણા જીવનમાં કશું અટકી-બગડી તો નથી જ જતું ! છતાં એ બધું લીધા વિના ચાલે ખરું ? જો “જૈન” હોઈએ તો વિચારવા જેવો સવાલ છે.
આપણાં લોકોની “બધું ચાલે એવી નીતિ કે વલણને જ લીધે, ઘીને બદલે ચરબી, દૂધમાં પણ માંસાહારી પદાર્થો અને લોટ કે ખાખરા જેવી ચીજોમાં પણ માછલીના લોટ વગેરેનું મિશ્રણ કરવાની હિંમત તે તે વસ્તુઓના ઉત્પાદકો તથા વેપારીઓમાં આવી છે, તે વાતનો ઈન્કાર કરી ન શકાય. અને આને લીધે દેશમાં ચાલતાં ક્તલખાનાંને આડકતરૂં ઉત્તેજન કે સમર્થન પણ આપણા થકી જ સાંપડી શકે છે.
જીવદયાની ટીપમાં, અભયદાનની રૂડી ભાવનાથી, રકમ લખાવનારો જૈન, આ રીતે હિંસામાં સમર્થક કે ભાગીદાર બને તે કેટલું બધું દુઃખદ અને અજુગતું
છે !
જો આપણે સાચા અર્થમાં જૈન બનવું હોય તો જેમાં માંસાહારી પદાર્થો આવતાં હોય તેવી તમામ ખાણી-પીણીની વસ્તુઓનો, ઘરમાં કે બહાર - બધે, તત્કાલ ત્યાગ કરવો જ રહ્યો.
(મહા-૨૦૧૭)
ધાર્મિક