________________
આપણી વાતનો તંતુ સાંધીએ. સંસારની વાસ્તવિક પરિસ્થિતિનો તાગ એક જ શબ્દમાં મેળવવો હોય તો તે શબ્દ છે “સ્વાર્થ'. સ્વાર્થ નથી તો સંસાર નથી. બીજી રીતે, સ્વાર્થ છે માટે જ આ સંસાર નભે છે. આપણાથી કોઈનોય સ્વાર્થ સરતો નહિ હોય તો આપણી દરકાર કરનારું ઘરમાં પણ કોઈ નહિ હોય. ઘરમાં કે અન્યત્ર ગમે ત્યાં, બધાં આપણું ધ્યાન રાખે અને આપણું કહ્યું કરે એવી જો ઇચ્છા હોય તો સ્વાર્થનું ગાજર લટકાવી રાખવાનું શીખી લેજો. એ ગાજર “હમણાં મળશે અને વળી મને જ મળવાનું એવી આશામાં, લાલચમાં, બધાં જ તમારો પડ્યો બોલ ઝીલવાનાં. વ્યવહારડાહ્યા માણસોએ આથી જ કહ્યું છે કે “ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે.”
આપણે વધુ જીવીએ એમ કોઈ ઈચ્છે તો તેની પાછળ પણ તેનો કોઈક સ્વાર્થ સમાયો હશે. અને આપણે ટળીએ તો સારું એવું કોઈ ઈચ્છે તો તેમાંયે તેનો કોઈક સ્વાર્થ જ હોવાનો. આપણા કહેવાથી કે જવાથી જેનો સ્વાર્થ ઘવાતો હશે તે જ આવી વાત કરશે. પણ આ વાત સમજવાની આપણી ગુંજાઈશ નથી એટલે હજી આપણે આવી આવી ઈચ્છા કરનારા પ્રત્યે કાં તો રાજી અને કાં તો નારાજ થતાં રહીએ છીએ. હમણાં એક જણે બહું નગ્ન સત્ય કહ્યું: ધણીના જીવનમાં જે બાઈ ઢસડબોળામાં જ સબડતી હોય તે અચાનક વિધવા થાય તો પછી તબિયતથી – લહેરથી જીવશે. કેમકે પછી તો વીમાના પૈસા મળે, સ્વજનો ફાળો કરી આપે, વારસાહકો મળે વગેરે એને જોઈને થાય કે, આટલો ઠાઠ જો મરનારના જીવતાં સાંપડ્યો હોત તો પેલો આમ (વહેલો) ન મર્યો હોત! - હવે વિચારજો : ઠાઠ અને સ્વાર્થને બને છે કે પ્રેમ અને ઠાઠને બને છે? બહુ ઊંડા ઊતરવું પડે તેવો મુદ્દો છે આ. સ્વાર્થના ચોસલા ઉપર પ્રેમના રૂપેરી વરખ લગાડીને જ રાચતા, રાજી થતા આપણને આ મુદ્દો જલદી ગળે નહિ ઊતરે. સ્વાર્થના નજીકનાં સગાં છે મોહ અને મમતા. અને નિકટના સ્નેહી મિત્રો છે અહં અને ઇચ્છા. આ ચારેયના ચક્કરમાં આપણે એવા તો ફસાઈ ચૂક્યા છીએ કે સ્વાર્થ શું અને સ્વાર્થ થકી સંસારમાં મને કેવી ખોફનાક હાનિ થઈ રહી છે તેની ગતાગમ જ પડે તેમ નથી. અને એ ન સમજાય ત્યાં સુધી પરમાર્થ શું છે તે, અને આપણું ખરેખરું હિત શેમાં કે શાથી છે તે સમજાવું પણ મુશ્કેલ છે. ધર્મની વાતો, આ મુશ્કેલ મુદ્દાને પણ સરળ બનાવી નાખવા માટે છે, તથા ન સમજાય તેવી વાતને પણ સમજવા માટે છે. એ વાત યાદ રાખવી, આ સંદર્ભમાં, જરૂરી છે.
(ચત્ર-૨૦૧૬).