________________
८
કાર્તિક મહિને જેમ જ્ઞાનપંચમીની વાત કરી હતી, તેમ માગશર મહિને તેવાંજ બે - મહાપર્વ આવે છે, તે વિશે વાત કરવી છે.
પહેલું મહાન પર્વ છે મૌન-એકાદશી પર્વ. આ મંગલ દિવસે મૌનપૂર્વક ઉપવાસ અને પોસહ કરવાનો મોટો મહિમા છે. વિવિધ ક્ષેત્રના ઘણા બધા તીર્થંકરભગવંતોનાં કુલ ૧૫૦ કલ્યાણકો આ શુભ દિને થયાં હતા. એટલે એક દિવસની આરાધનામાં એકી સાથે ૧૫૦ પરમાત્માની આરાધના થાય.
મહત્ત્વની વાત ‘મૌન’ ની છે. આ પુનિત દિન આપણને ચૂપ રહેવાનું શીખવતો દિવસ ગણાય. આપણને બોલવાનું ફાવે એટલું ચૂપ રહેવાનું નથી ફાવતું. બોલ બોલ કરવાની આપણે એવી આદત પાડી બેઠા છીએ કે હવે ક્યાં આગળ અટકવું કે ક્યારે શું-કેવું ન બોલવું તેનું આપણને ભાન જ નથી રહેતું. ક્યાં, કયારે, કેવું અને કેટલું બોલવું - એટલી સમજણ જો આવી જાય તો આપણી વાણીને કારણે ઘણાં કાર્યો, સંબંધો અને ઘણી જિંદગીઓ બગડતાં અટકી જાય. આપણી જીભ વડે આપણે કેટલાને ઈજા પહોંચાડી છે? કેટલાને ઊઝરડા પાડ્યા? કેટલાં ઘર અને કેટકેટલા સંબંધો ઉજાડ્યા? આ બધું નિરીક્ષણ કરવા માટે પણ મહિનામાં એક દહાડો ‘મૌન’ પાળવું અનિવાર્ય ગણાય.
આત્માનું લક્ષ્ય કેળવવા ઝંખતા આરાધક આત્માએ આજે સંકલ્પ કરવો ઘટે : જેવાં વેણ સાંભળવાથી મને ક્લેશ ઉપજે, તેવાં વેણ હું બીજા પ્રત્યે નહીંજ બોલું; મારી જીભ થકી હું અમંગળ, ક્લેશકા૨ક અને અન્યોને ઈજા પહોંચે તેવી વાતો નહિ ઉચ્ચારું. હું વગર કારણે બિનજરૂરી બકવાસ નહિ કરું. મને ખબર છે કે હું જાણું છું, એવું પ્રદર્શન કરવા ખાતર પણ હું બોલ બોલ નહિ કરું.
હું હિતકારી જ બોલીશ. ઓછું બોલીશ. બીજાને શાતા અને શાંતિ થાય તેવું બોલીશ. અને મારી વાણી વડે ઓછામાં ઓછાં પાપ બાંધીશ.
મૌન-એકાદશીની આવી રૂડી આરાધના માગશર મહિનાની સુદ-૧૧ ના દિને છે, તે યાદ રાખવાનું છે. ઘર-સંસારના કારણે ધંધા-નોકરીમાંથી ધારીએ ત્યારે ધારીએ તેટલી રજા લેતાં હોઈએ છીએ. આ મહિને આ ઉત્તમ પર્વની આરાધના માટે રજા મૂકીને, બંધ પાળીને આરાધના કરજો.
બીજી આરાધના છે પોષ દશમીની, શ્રીપાર્શ્વનાથ પ્રભુના જન્મકલ્યાણકની.
૧૫૨