________________
મુંબઈની આંતક – ઘટનાએ પુરવાર કરી આપ્યું છે કે રાવણનો વંશવેલો હજી પણ આ ધરતી ઉપર જીવતો અને ફાલ્યાફૂલ્યા કરતો છે.
આ કડવો વેલો કદાચ ક્યારેય સાવ ખતમ થવાનો નથી, થતો નથી, એમ હવે સમજાય છે. રાવણનાં બધા માથાં વધેરી દેવાય, તો પણ તેના રક્તમાંથીયે નવા નવા રાવણ જાણે કે પેદા થતા જ રહે છે! લાગે છે કે રાવણને મારી નાખવો એ આનો ઉપાય નથી. આનો ઉપાય છે એખ જ : રાવણની મનોવૃત્તિને બદલી નાખવી તે. અને એ કામ કાંઈ આપણા માટે શક્ય નથી, એ જો પાકું હોય, તો આપણે શું કરી શકીએ? આપણે એક જ કામ કરી શકીએ : એવા રાવણો માટે પ્રાર્થના કરી શકીએ. આપણા ચિત્તમાં શુભ સંકલ્પની જેટલી હોય તેટલી તાકાત એકઠી કરીને આપણે પ્રાર્થના કરીશું કે આ જગત પર વર્તતા આવા અસંખ્ય રાવણોનાં મનમાં જાગેલી અને જાગ્યે જતી પશુતાનો નાશ થાય, એમની આસુરી વૃત્તિઓ ખતમ થઈ જાય, અને એમના થકી બીજા કોઈ પણ દેશ, સમાજ, કોમ કે મનુષ્યને કોઈ દહાડો કશી જ હાનિ ન થાય.
મનુષ્યની પશુવૃત્તિની તાકાત જો અપાર હશે, તો તેની સામે તેની પ્રાર્થનાનું, તેના શુભ સંકલ્પનું, બીજાનું - સૌનું ભલું કરવાની તેની દિવ્યતાનું સામર્થ્ય પણ અનંત છે. આપણામાં જો એ અનંત સામર્થ્યને આપણે વિકસાવી શકીએ, સુષુપ્ત એ સામર્થ્યને જો જીવંત અને જાગૃત બનાવી શકીએ, તો પ્રાર્થનાના અમોઘ બળ વડે દુષ્ટ જીવોની દુષ્ટતા અને તેનાથી ભોગવવા પડતાં અનિષ્ટ પરિણામો - બન્નેની માત્રામાં નોંધપાત્ર ઘટાડો થયા વિના નહિ રહે. આપણા સાધક કવિવર મકરન્દ દવેએ ગાયેલી પ્રાર્થના આપણે પણ ગાઈએ :
“તૃણથી તરુઓ સુધી અને કણથી કોટિક પ્રાણીઓ સુધી
બસ પ્રેમ, અપાર પ્રેમની
મુજ કલ્યાણ - સુધા ઝર્યા કરે રોગ, શોક, જરા, વ્યાધિ, કે હો ત્રાસથી વૃણા સર્વ ભૂતે રહ્યા સ્વામી, છાંટો ત્યાં પ્રેમ – છાંટણાં.”
(પોષ-૨૦૬૫)