________________
૧૬
વિહારના વિશેષ અનુભવોમાં મહત્ત્વનો એક અનુભવ એ છે કે ગામગામનાં જિનાલયો જુહારવાનો અને જિનબિંબોનાં દર્શનનો અણમૂલો લાભ સાંપડે. પહેલાંના મુનિરાજો આવાં અવનવીન જિનચૈત્યોને જુહારીને તેનું વર્ણન આપતી તીર્થમાળાઓની રચના કરતા. એ સ્તવનરૂપે કે ઢાળિયાના રૂપમાં રચાતી, ગાઈ શકાય તેવી, સુમધુર રચનાઓ થતી, તેમાં તે તે ગામ/નગરની તથા દેરાસરો/ બિંબોની ઐતિહાસિક હકીકતો પણ તેઓ નોંધતા. આજે તો આવી રચનાઓ રચવાની પ્રથા રહી નથી, તો તેવી રચના કરવાની કોઈને ફુરસદ પણ નથી. પરંતુ મધ્યકાળમાં આવી અનેક તીર્થમાળાઓ રચાઈ છે. જેમાંની ઘણીક છપાયેલી પણ છે, અને તેનો મહત્ત્વના ઐતિહાસિક દસ્તાવેજો-લેખે ઉપયોગ પણ થયો-થાય છે.
અમે હમણાં વલસાડ ચોમાસું કર્યું. ત્યાં છ વર્ષ પૂર્વે પણ અમે રહેલા. તે વખતે મનમાં સતત પ્રશ્ન ઘૂંટાતો : “વલસાડ” નામ શાથી છે? તેનો અર્થ શો? તેનું મૂળ રૂપ શું હોઈ શકે? જીવ સંશોધનપ્રિય, અને એટલે જ ખણખોદિયો, એટલે આવા વિષયના અભ્યાસી વિદ્વાનો સાથે રૂબરૂમાં અને પત્ર દ્વારા આ મુદ્દે ચર્ચા પણ કરી. પણ કાંઈ ખુલાસો ન જડ્યો. વાત મનમાં જ રહેલી.
આ વખતે અણચિંતવ્યો જ આનો ખુલાસો જડી આવ્યો. વિક્રમના સત્તરમાં સૈકામાં થયેલા, શ્રીપાળ રાજાના રાસના રચયિતા, મહોપાધ્યાય શ્રીવિનયવિજયજી મહારાજે દક્ષિણ ગુજરાતનાં ગામોની પોતાની યાત્રા દરમિયાન એક તીર્થમાળા બનાવેલી છે, જે પ્રકાશિત પણ છે. એમાં તેમણે વલસાડનું નામ નોંધ્યું છે - વડસાલ'. અને સાથે જ નોંધ્યું છે કે આ ક્ષેત્રમાં જીરાવલા પાર્શ્વનાથ બિરાજે છે. લગભગ ૩૫૦ કરતાંય વધુ વર્ષો જૂનો આ ઐતિહાસિક ઉલ્લેખ કેટલો બધો દસ્તાવેજી ગણાય ! મને તો આનંદ આનંદ થઈ ગયો!
વડસાલ” માં બે શબ્દો આવે : “વડ” અને “સાલ'. સાલ એટલે વૃક્ષ. જે ગામમાં વડનું વૃક્ષ છે તેવું ગામ તે વડસાલ, આ તેનો શબ્દાર્થ. જેમ ગામની આસપાસ, પાદરમાં કે ગામ-વચાળે, જળાશય/નદીના કાંઠે વડનાં વૃક્ષ હોય તે ગામ કદી દુઃખી ન હોય, સુખી જ હોય. વલસાડની ભૂમિ આવી હોવી જ જોઈએ, અને એ કારણે જ તે “વડ–સાલ” ના નામે ઓળખાતું હોવું જોઈએ.
પછીના સમયમાં એવું બન્યું હશે કે લોકોની બોલીની વિચિત્ર ટેવોને કારણે નામમાં અક્ષરોની ઉલટસુલટ થઈ ગઈ હોય. જે “માંગરોળ” ગામ છે, તેનું ખરૂં નામ “માંગલોર' (મંગલપુર-મંગલઉર-મંગલોર-માંગલોર) છે. પરંતુ લોકજીભના
વિહારયાત્રા