________________
જ રહેતાં શીખીને ઉચિત મર્યાદાનું શ્રેષ્ઠ પાલન કરતાં શીખવાનું છે. ફરી વાંચી લઈએ “માપમાં રહો.”
“માપમાં રહેવું એટલે શું? - પોતે જે હોય તે જ દેખાવાનો પ્રયત્ન કરવો તે. પોતાની હેસિયતથી વધુ દેખાડનાર માણસ “માપ' ગુમાવે છે. આપણી આસપાસ કે પછી ખરેખર આપણી અંદર નજર નાખીશું તો જણાઈ આવશે કે આપણે અને મોટાભાગના લોકો પણ, પોતાનાં માપ કરતાં મોટા કે સારા કે આગળ દેખાવાનો પ્રયત્ન સતત કરતા હોય છે. ઘણીવાર આ કરતાં કીટલી ગરમ લાગે, સાહેબ કરતાં ચમચાની ગરમી વધારે હોય. એવું તો દરેકે અનુભવ્યું જ હશે. અભણ હોય ને વિદ્વાન હોવાનો ડોળ રચે. લોન પર લાવેલ પૈસે લખપતિ હોવાનો ખેલ પાડે. ક્ષમતા લાખની હોય અને લાખો-કરોડોનાં રોકાણ તથા બિઝનેસની બાંગો મારે. એવા માણસોએ, “માપમાં રહો'નો મર્મ સમજવા જેવો ખરો. થોડુંક માન-સન્માન, થોડીક વાહવાહ, થોડીક સફળતા અને થોડી પ્રાપ્તિ, માણસને પોતાનું કદ અને માપ ભૂલવાડી દેવા માટે કાફી છે. પછી એની હાલત, બળદની સામે રોફ મારતા અને પેટ ફુલાવે જતા દેડકા જેવી થાય છે. મૂળે છીછરો તો હોય, એમાં “માપ ઘટે, પછી પેટ ફાટી ગયા વિના કેમ રહે? સફળતા કે વાહવાહ મળે તે તો સારી વાત છે, પણ તે મળ્યા પછી પોતાને કાંઈક “ખાસ” માનવા લાગીએ, અને બીજા સૌને તુચ્છ ને નગણ્ય સમજીને ઊતારી પાડવા કે નીચજોણું કરાવવામાં મચી પડીએ, તો તેમાં આપણું “માપ” નાનું થાય છે. આપણા અહંકારને લીધે એ આપણને દેખાય ભલે નહિ, પણ “માપ” ઘટે છે. અને મિત્રોની નજરમાંથી ઊતરી જઈએ છીએ, તે હકીકત છે. માપમાં રહેવાનું સમજનારો માણસ વિવેકી હોય. એની વાણી અને વટવ્યવહારમાં નમ્રતા અને પ્રેમની ભીનાશ હોય, એ કોઈને પણ તોછડાઈપૂર્વક ઊતારી પાડતો ન હોય, એ પોતાના વખાણ કે સફળતાના ઘમંડમાં છકીને ઉદ્ધત થઈ જાય નહિ જ. પોતે જ સાચો અને પોતે માન-ધારે તેમજ થવું જોઈએ તેવી મનોદશા તેની ના હોય. સફળ કે નિષ્ફળ થવું તે તો પુણ્યના હાથની વાત છે, પણ “માપમાં રહેવાનું તો માત્ર અને માત્ર આપણા જ હાથમાં છે, તે ન ભૂલીએ, તો એક દહાડો આપણને ખબર પણ નહિ પડે અને આપણું “માપ' આપોઆપ વધી જશે. માપમાં રહો'.
(મહા-૨૦૬૦)