________________
ઘર સામે કે દુકાન ખોલતાં પહેલાં કોળું જોરથી પછાડીને વધેરે. બધા ટુકડા વેરાય ને લાલ લોહીવણું બધું થાય, એટલે “સબ સલામત” માનીને આગળ વધે. ઘણા વળી કોળાને ઘરે – દુકાને લટકાવી રાખે-નજર પડે તે રીતે. તેના પર માનવચહેરો ચીતરેલો હોય. ઘણીવાર રાક્ષસનો ચહેરો પણ ચીતરે. એ ઉપરાંત, લીંબુ વધેરવા, સળગાવવા, અને પછી જ કાંઈપણ કરવું, એ પણ ખરું. સવારે રસ્તા પર નીકળીએ તો ઠેરઠેર આવા કોળા તથા લીંબુ પડ્યા હોય. તેના પર થઈને ન ચલાય, ગાડી પણ ન ઓળંગે તેને. પશુબલિનો વિકલ્પ છે કોળાં વધેરવાની આ પદ્ધતિ.
ઘર નવું હોય કે બંધાતું હોય કે સારું હોય તો તેના પર કપડાના ડૂચામાંથી બનાવેલું માણસનું પૂરા કદનું “ચાડિયા’ જેવું પૂતળું ટાંગે. તેના મસ્તક તરીકે માટીનો ઘડો કે કોળું ગોઠવી તે મુખાકૃતિ ચીતરે. ક્યાંક વળી, પૂતળાને બદલે રાક્ષસનું મહોરું લટકતું જોવા મળે. બે શીંગડાં અને વિકરાળ દાંતવાળો પીળાકાળા-લીલા-લાલ રંગો વડે ચીતરેલો એ રાક્ષસ બધી ટોક-નજર-કુદષ્ટિને ગળી જતો હોવો જોઈએ.
ઉદ્યમ પણ આ પ્રજામાં ઘણો. આળસ ઓછી. સવારના સાડાચાર-પાંચે તો ગામ આખું ગાજતું હોય. બહેનો ઘરના આંગણાંને વાળી વાળીને બરાબર સાફ કરે અને પછી બે - ચાર ડોલ પાણીનો છંટકાવ કરીને ફળિયું, આંગણું કે રસ્તો - બધું ચોખ્ખું અને ભીનું કરી મૂકે. પાણીની ભીષણ તંગી ભલે વરતાય, પણ આંગણાં તો ધોવાનાં જ. ન ધૂએ તો લક્ષ્મી ચાલી જાય અને દળદર આવે, એવી પાકી શ્રદ્ધા. વગર વરસાદ વરસાદનો અહેસાસ થાય. અમુક ઠેકાણે તો વળી દર સપ્તાહે એક વાર આખું ઘર અને આખી શેરી-ગલી-રસ્તા ધોવાના, કીચડગંદકીનો વાંધો નહિ, પાણીની ખેંચ પરવડે, પણ દળદર ઘર-મહોલ્લામાં ન જોઈએ પાણીથી ધોયા પછી રંગોળી કાઢે. એક ઘર રંગોળી વિનાનું ન મળે. ગુજરાતમાં દિવાળીના દિવસોમાં ક્યાંક ક્યારેક જોવા મળે તો મળે. આ પ્રદેશમાં (મહારાષ્ટ્રમાં પણ) રંગોળી નિત્યક્રમ ગણાય. અત્યંત સ્કૂર્તિથી અને ભૂમિતિની આવડત જેવી કુશળતાથી રંગોળી કાઢતી બહેનોને જોઈએ તો દંગ થઈ જવાય.
બાકી તો આ દેશમાં જીવહિંસા ખૂબ અને તે પણ ખુલ્લેઆમ જોવા મળે. ઠેરઠેર સડક ઉપર જ કતલ તથા તેનો ધંધો થાય. આ દેશમાં અહિંસાની વાત લગભગ અજાણી હશે તેવો આભાસ થાય.
તમિળનાડુનો પ્રદેશ ગરમ. ગરમી તીવ્ર પડે. શિયાળો ભાગ્યે જ વર્તાય.