________________
ભોયણી તીર્થ અને શ્રી શંખેશ્વર તીર્થનો છરી પાળતો સંઘ કાઢ્યો. શ્રી ભોયણી તીર્થમાં માતુશ્રી મહાલક્ષ્મીબેનના શ્રેયાર્થે ઉપધાન તપની આરાધના કરાવી. - તેઓ શ્રી મહાવીર સ્વામી જૈન દેરાસર (અમદાવાદ: ફતાસા પોળ), શ્રી શ્રેયાંસનાથ જૈન દેરાસર (અમદાવાદ: ફતાસા પોળ), ડહેલાનો ઉપાશ્રય, શ્રી ગંધાર જૈન ટ્રસ્ટ (ગંધાર), શેઠાણી હરકુંવરબા સરકારી ઉપાશ્રય (અમદાવાદ) શ્રી સરસ્વતીબેન જૈન પાઠશાળા ટ્રસ્ટ (અમદાવાદ) શ્રી મહાવીરસ્વામી જૈન દેરાસર (રામજીમંદિર પોળ : અમદાવાદ), શ્રી હરિપુરા સુમતિનાથજી ટ્રસ્ટ (હરિપુરા) જેવી સંસ્થાઓના પ્રમુખપદે કામગીરી બજાવે છે.
ભારતમાંથી વિદેશમાં ગયેલા જૈનો પોતાની ધર્મસંસ્કૃતિ સાથે લઈને પરદેશ ગયા હતા. આ જૈનોએ એમના જૈન સેન્ટરો દ્વારા ધર્મ આરાધના માટે દેરાસરો તૈયાર કર્યા. અમેરિકાના હ્યુસ્ટન, લોસ-એંજલિસ અને ડેટ્રોઈટ જેવા શહેરોમાં નિર્મિત થયેલા જિનમંદિરમાં શ્રી અરવિંદભાઈ પનાલાલની પ્રેરણા, માર્ગદર્શન અને સાથે ઉપકારક બની રહ્યા. આમાં પણ અમેરિકામાં જમીન ખરીદીને સર્વપ્રથમ તૈયાર થયેલા લોસ એંજલિસના જિનાલયમાં તેઓએ પોતે પ્રભુજીની પ્રતિમાઓ મોકલી હતી.
શ્રી અરવિંદભાઈ એમના અપાર ઉત્સાહ અને કાર્યશક્તિના બળે અનેક સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે. તેઓ શ્રી શંખેશ્વર તીર્થ, શ્રી ભોયણીજી તીર્થ, શ્રી જેસલમેર તીર્થ, કરેડા પાર્શ્વનાથ દેરાસર, કલોલ જૈન દેરાસર, હસ્તગિરિ જૈન દેરાસર ટ્રસ્ટ, વર્ધમાન તપ આયંબિલ સંસ્થા અને પૂ. આ. શ્રી રામચંદ્રસુરીશ્વરજી મહારાજ ટ્રસ્ટ વગેરે સંસ્થાઓના ટ્રસ્ટી તરીકે કાર્યરત છે.
૧૯૯૭ની છઠ્ઠી ઑગસ્ટે શ્રી અરવિંદભાઈ પનાલાલ ૭૯ વર્ષ પૂરા કરીને ૮૦મા વર્ષમાં પ્રવેશ્યા છે. આજે પણ તેઓ અપાર ઉત્સાહથી ધર્મકાર્યો કરે છે. વિશ્વમાં જ્યાં જ્યાં જિનમંદિરોના નિર્માણની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં ત્યાં શ્રી અરવિંદભાઈની પ્રેરણા અને માર્ગદર્શન મળતા રહે છે. એમની કાર્યશક્તિ અને નિર્ણયશક્તિને કારણે એમના દ્વારા જ્ઞાન-પ્રસાર, જિનાલય-નિર્માણ તીર્થોનો જિર્ણોદ્ધાર અને જીવદયાની અનેકવિધ પ્રવૃત્તિ થતી રહે છે. તેઓ સ્વસ્થ અને નિરામય સ્વાથ્ય સાથે જિનશાસનની સેવા કરતું સુદીર્ઘ જીવન જીવે અને સમાજને એમની શક્તિથી સુવાસિત કરતા રહે એ જ અભ્યર્થના.