________________
૯૮ m સાહિત્યિક પત્રકારત્વ
સાથોસાથ યાદ આવે છે રમણભાઈ નીલકંઠનું ‘જ્ઞાનસુધા’, રા. વિ. પાઠકસાહેબનું ‘પ્રસ્થાન’, ક. મા. મુનશીનું ‘ગુજરાત’ અને વિજયરાય વૈદ્યનાં ‘કૌમુદી’ અને ‘માનસી’. નામો લેવા જ બેઠા છીએ તો ઉદ્ધવજી તુલસીદાસનું ‘ગરવી ગુજરાત’, મટુભાઈ કાંટાવાળાનું ‘સાહિત્ય’, જયકૃષ્ણ વર્મા અને યજ્ઞેશ શુક્લનું ‘ગુણસુંદરી’, ગોકુળદાસ રાયચુરાનું ‘શારદા’, ઝવેરચંદ મેઘાણીનું ‘ફૂલછાબ’, ચુ. વ. શાહનું ‘પ્રજાબંધુ’ અને બબીબહેન ભરવાડાનું ‘આરસી’ પણ ભેગાભેગ યાદ કરી લઈએ.
આમ છતાં કેટલાંક નામો એવાં છે જે સાધિકાર વિશેષ ઉલ્લેખ માગી લે છે. એ નામો જયંતી દલાલનું ‘રેખા’ – ‘ગતિ’, સુરેશ જોષીનું ‘મનીષા’ અને પ્રબોધ ચોકસી સાથેનું ‘ક્ષિતિજ', ભાનુ ઝવેરીનું ‘ગ્રંથાગાર’, ચુનીલાલ મડિયાનું ‘રુચિ’, રાધેશ્યામ શર્માનું ‘યુવક’, લાભશંકર ઠાકર અને ‘રે’ મિત્રોનાં દોઢ માસિક ‘રે’ અને ‘કૃતિ’, જ્યોતિષ જાનીનું ‘સંજ્ઞા', મહેન્દ્ર મેઘાણીનું ‘મિલાપ’ અને ભગત સાહેબનું ‘સાહિત્ય’.
આમાંનાં ઘણાંખરાં સામયિકોએ મુક્ત વિચાર અને મુક્ત ચર્ચાનો એક અનેરો અને અદકેરો મંચ પૂરો પાડ્યો છે. પત્રકાર અને સાહિત્યકારના ઉત્તમ અંશોનું અભિન્નત્વ એમાં પ્રતિપાદિત થયું છે. એના ઘોષ-પ્રતિઘોષની યાદે આજે પણ કાન સ૨વા બને છે. ને એ આટલે વર્ષેય પોતાના જૂના અંકો થકી નિત્યનૂતન તાજગીની લહેરો રેલાવતાં રહ્યાં છે.
અ-ક્ષરધામવાસી બનેલાં આ સામયિકો પછી જોઈએ તો સાહિત્યક્ષેત્રે ‘બુદ્ધિપ્રકાશ’ આપણું સૈકાજૂનું સામયિક છે. ‘કુમાર’ને આટલે વર્ષે પણ ઘડપણ આવ્યું નથી. ‘અખંડ આનંદની’ ધૂન ચાલુ છે. ‘નવચેતન’ની મૂડી ખૂટી ગઈ નથી. ‘પરબ’ની પરખ થતી રહી છે. ‘ઊર્મિ-નવરચના'નું નામ સંભળાતું બંધ થયું નથી. ‘કવિલોક’ ધીર આલોક આપતું રહ્યું છે. ‘કવિતા'ને કાટ ચડ્યો નથી. ‘સમર્પણ’નું દર્પણ તરડાયું નથી ને ‘નવનીત’ કંઈ નહીં તો ડેરી બ્રાન્ડ સ્નિગ્ધતા જાળવી રહ્યું છે. (આ ‘સમર્પણ’ અને ‘નવનીત’નું સમન્વિત રૂપ કેવું હશે એ આજનું કુતૂહલ છે.) ‘ગ્રંથ’ ગોથું ખાતાંખાતાંય થોથું બની જવાથી બચ્યું છે. ‘ચાંદની’એ પચ્ચીસ વર્ષ પૂરાં કર્યાં છે. ‘આરામ’ રામને ગોતી રહ્યું છે. ‘ભૂમિપુત્ર’ની ‘પાંચ મિનિટની’ વાર્તાએ આકર્ષણ ઊભું કર્યું છે. ‘ઉગાર’ નજર કરી જવા જેવું બન્યું છે. ‘વિશ્વમાનવ’ અને ‘કોડિયું’ પોતપોતાની રીતે સાહિત્યિક ફાળો આપતાં રહ્યાં છે. ‘અભિષેક’ અવળી-સવળી ધારે ચાલે છે. બધા વચાળે ‘એતદ્’ ને ‘ઊહાપોહ’ આગવાં રહ્યાં છે. ‘ઇલૅન્ડ’ અને ‘તોડફોડ' પ્રગટતાં રહ્યાં છે પણ એમના ભેરુબંધોની નામાવલિને અંતિમ સ્વરૂપ મળવાનું હજી બાકી છે. વાત માંડી જ છે તો છેલ્લે છેલ્લે કલકત્તાના ‘કેસૂડાં’ અને ‘નવરોઝ’ જેવા કેટલાક વાર્ષિક અંકોનેય યાદ કરી લઈએ. એમાં યશવંત પંડ્યાનાં ‘વીણાં’- ‘શરદ’, સૌદામિની વ્યાસનું ‘અંગના’, બબીબહેન ભરવાડાનું ‘જ્યોત્સ્ના’, દિલીપ કોઠારીનું