________________
પ્રબળ રચનાત્મક શક્તિ ] ૯૩
ગુજરાતી ભાષાને શક્તિશાળી શબ્દો અને પર્યાયો આપ્યા છે. અને સાહિત્યને લોકો સુધી પહોંચાડવામાં વર્તમાનપત્રોનો ફાળો નાનોસૂનો નથી. આપણા કેટલાક સારી કોટીના નવલકથાકારો, નવલિકાલેખકો, નિબંધકારો અને કવિઓન લોકો સુધી પહોંચાડી, એમને લોકપ્રિય બનાવવાની પ્રશંસનીય કામગીરી બજાવી છે. આજે પણ એ એ કામગીરી બજાવી રહેલ છે. અને હવે તો વર્તમાનપત્રો અને સાહિત્યકારો વચ્ચે સ્વાર્થનો એવો નાતો બંધાઈ ગયો છે કે એમને એકબીજા વિના ચાલે એમ નથી. વર્તમાનપત્રોનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એમાં વાર્તાસાહિત્ય અને અભ્યાસપૂર્ણ લેખોનું સ્થાન અનિવાર્ય બન્યું છે. અને વર્તમાનપત્રોના માધ્યમ દ્વારા લેખકો સહેલાઈથી વધુ ભાવકો પાસે પહોંચી શકે છે. આપણે જે ઉન્નત સમાજરચના કરવા ઝંખીએ છીએ એ માટે પત્રકારો-સાહિત્યકારોનો સહિયારો પુરુષાર્થ હિતાવહ છે અને આવા સહિયારા પુરુષાર્થનું સાધન વર્તમાનપત્રો પૂરું પાડી રહે છે.
છેલ્લે અખબારી સ્વાતંત્ર્યની વાત પણ કરી લઉ. અખબારી સ્વાતંત્ર્યનો પ્રશ્ન બહુ પેચીદો છે. અખબારી સ્વાતંત્ર્ય એટલે કોનું સ્વાતંત્ર્ય ? અખબારોના માલિકોની સ્વતંત્રતા કે પત્રકારોની સ્વતંત્રતા ? માલિકની વાત જવા દઈએ, પણ હું તો પત્રકાર છું. હું વર્તમાનપત્ર શરૂ કરું તો એ વર્તમાનપત્રની નીતિ કોઈ બીજાને નક્કી કરવા ન દઉં. સામ્યવાદમાં માનનારના અખબારમાં મૂડીવાદની પ્રશસ્તિ કરતા લેખ કે સમાચારને
સ્થાન કેવી રીતે મળે ? મૂડીવાદી વિચારસરણી ધરાવતા અખબારમાં સામ્યવાદની હિમાયત કરતાં લખાણો પણ પ્રસિદ્ધ ન થાય એ સમજી શકાય એવી વાત છે. પણ આટલું તો થવું જ જોઈએ : અખબારની નીતિ નક્કી થયા પછી એના રોજબરોજના કામમાં માલિકો-સંચાલકોનો હસ્તક્ષેપ હોવો ન જોઈએ. નીતિનો અમલ કરવાની જવાબદારી પત્રકાર-તંત્રીની હોઈ શકે.
અખબારી સ્વાતંત્ર્ય વિશે ગાંધીજીએ પોતાની આત્મકથામાં જે લખ્યું છે એ તમને કહી સંભાળવવાની લાલચ રોકી શકતો નથી. ગાંધીજીએ લખ્યું છે : “વર્તમાનપત્રો સેવાભાવથી જ ચાલવાં જોઈએ એ હું “ઇન્ડિયન ઓપિનિયન'ના પહેલા માસની કારકિર્દીમાંથી જ જોઈ ગયો. વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે. પણ જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામનાં ગામ ડુબાડે છે ને પાકનો નાશ કરે છે, એમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે. એ અંકુશ બહારથી આવે તો એ નિરંકુશતા કરતાં વધારે ઝેરી નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી હોઈ શકે.
‘આ વિચારસરણી સાચી હોય તો દુનિયાનાં કેટલાંક વર્તમાનપત્રો નભી શકે ? પણ નકામાંને બંધ કોણ કરે ? કોણ કોને નકામું ગણે ? કામનું અને નકામું સાથે સાથે ચાલ્યાં જ કરવાનાં. એમાંથી મનુષ્ય પોતાની પસંદગી કરવાની રહી.”