________________
પત્રકાર : એક વિધાયક પરિબળ ૮૯
છે, એ ભાગ્યે જ કોઈ સમજે છે. પ્રેસ અને પત્રકારની વિધાયક સ્થિતિ એક લોકશાહી રાષ્ટ્રનું અણમોલ ધન છે. એનો હ્રાસ આખરે તો રાષ્ટ્રની નિર્માલ્યતામાં જ ઉમેરો કરવાનો છે, એની ગંભીર નોંધ લેવાવી જોઈએ.
આજે ચોતરફ ચાલતી મૂલ્યહાસની સ્પર્ધા વચ્ચે ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રેસ અને પત્રકારની વિધાયકતાની ચર્ચા યોજે છે એ ખરેખર અભિનંદનીય છે. લોકશાહીની આ ચોથી સત્તા એક ખૂંખાર તાકાત છે. એને ટકાવી રાખવા, એને ઓર ખીલવવા હમદર્દીની જરૂર છે. અહીં એકઠા મળેલા સાહિત્યકારો અને સભાન શ્રોતાઓ આવા હમદર્દી બની રહે તો ભારતીય પત્રકારત્વની ઘસાવા-લોપાવા લાગેલી વિધાયક શક્તિ પુન: પાંગરી ઊઠે એવી આશા રાખી શકાય.
પત્રો, પત્રકારત્વ અને પત્રકાર – એ બધાંના વિધાયક અંશોની ચર્ચા મેં કરી અને એ સાથે એમાં વિઘાતક નીવડતાં તત્ત્વો વિષે પણ જે મંતવ્યો અહીં મેં રજૂ કર્યા છે, એ મારાં પોતાનાં છે, છતાં એ અનુભવમાંથી જ ઉદ્ભવેલાં છે.
સંભવ છે કે મારા એ નિરીક્ષણમાં ખામી પણ હોય, કોઈક કે કેટલાક એ સાથે સંમત ન પણ હોય, પરંતુ મારે નમ્રપણે એટલું જ કહેવાનું કે મેં મારા મંતવ્યો કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ સિવાય અહીં રજૂ કર્યા છે.
-
1
પત્રકારના આદર્શનો હું જ્યારે વિચાર કરું છું અને મારા અંતઃકરણને પૂછું છું કે પત્રકારનો આરાધ્યદેવ કોણ – વર્તમાનપત્ર ? જવાબ “નામાં મળે છે. “લોકકલ્યાણ' ઉપર પણ મન ઠરતું નથી. પત્રકારનો આરાધ્યદેવ તો સત્ય સિવાય બીજો કોઈ હોઈ શકે નહીં – થઈ શકે નહીં. સમાચારમાં અને વિચારમાં એણે નિરંતર એ જ દેવની ઉપાસના કરવી જોઈએ. આવી ઉપાસના નિર્ભયતા વિના, લોકકલ્યાણની ઉચ્ચ ભાવના વિના, રાગદ્વેષરહિત તટસ્થ દૃષ્ટિ વિના, વ્યવસાયની પ્રામાણિકતા વિના, સતત અભ્યાસ, અવલોકન, ચિંતન વિના શક્ય નંથી, એટલે આરાધ્યદેવ તરીકે સત્યનું પ્રતિષ્ઠાપન અને પૂજા-ભક્તિ થતાં આપોઆપ અન્ય દેવોની આરાધના થઈ જાય છે.
– મોહનલાલ મહેતા “સોપાન' (ગુજરાત સાહિત્ય પરિષદના ૨૨મા સંમેલનના પત્રકારત્વ વિભાગના પ્રમુખપદેથી)