________________
૮૬
D પત્રકાર : એક વિધાયક પરિબળ
આજે છાપાંની નકલો ઝડપથી વધતી જાય છે એ એમની કોઈ વિધાયક શક્તિને લીધે નહીં, પણ લોકોની વાચનટેવ વધી રહી છે એને કારણે. શિક્ષણ વધે છે એના કરતાં વાચનટેવ વધી રહી છે. આ વાચનટેવ પણ નવી છે અને ઘડાયેલી નથી. આથી એને એની રૂચિનું વાચન બહુ ગમે છે. વિધાયક એવું વાચન પસંદ કરનારો વાચક વર્ગ નાનો છે. કલાપૂર્ણ-મનોરંજન કરતાં હલકું મનોરંજન પ્રેક્ષકોને વધુ ગમે છે અને તેથી એની હરીફાઈ સિનેમા કરતાં હોય છે. છાપાંની સ્થિતિ પણ અમુક અંશે એવી છે અને એની હરીફાઈ થતી રહે છે. કલાપૂર્ણ સિનેમા જેમ વ્યવસાયની રીતે પોસાય એમ નથી એમ શુદ્ધ વિધાયક છાપું ઉદ્યોગમાં ટકી શકે કે કેમ એ સવાલ છે. ગુજરાતમાં “કુમાર”, “નવનીત', ‘સમર્પણ', ‘નિરીક્ષક વગેરે સામયિકોની જે સ્થિતિ છે એ આ સવાલ પરત્વે પ્રકાશ પાડનારી છે.
આઝાદી પહેલાં લોકોમાં પણ જે રાષ્ટ્રીય અને જીવનઘડતરની ભાવના હતી, એમાં ઓટ આવી છે. ચોમેરનું વાતાવરણ એના પર અસર કરે છે. પરિણામ એ છે કે લોકહિતની દૃષ્ટિવાળાં સામયિકો બંધ થાય છે અને છીછરી લોકરુચિને પોષનારાં નવાં નવાં પ્રગટ થાય છે અને એમનો ફેલાવો વધતો જાય છે.
આ વિષમ સ્થિતિ હોવા છતાં પ્રેસ એનું અવલંબન લઈ પોતાનો બચાવ ન કરી શકે. પ્રેસ ઉદ્યોગ બન્યો છે એ વાસ્તવિકતા છે, પણ પ્રેમ વ્યવસાય બન્યો હોય તોપણ બીજા વ્યવસાય કરતાં એ ભિન્ન છે એ પણ એક સંગીન વાસ્તવિકતા જ છે. શિક્ષણ પણ આજે વ્યવસાય બન્યું છે, પરંતુ એક સ્થળ માલ પેદા કરનાર વ્યવસાય અને પ્રજાઘડતર કરનાર શિક્ષણના વ્યવસાયમાં મોટો ભેદ રહેલો છે. એ જ રીતે પ્રેસનો વ્યવસાય એ સ્થૂળ માલ પેદા કરનાર વ્યવસાય નથી. એ વાચકોની માનસિક, બૌદ્ધિક ભૂખને સંતોષનારો વ્યવસાય છે. એ એની ભૂખને જેટલા પોષક વાચનથી સંતોષે તેટલું હિતાવહ છે.
આજે વાતાવરણ વિષમ હોય તો એને ભેદવાની ફરજ એની છે. એ ભેદાય કે ન ભેદાય, એ જુદી વાત છે પણ એ ભેદવા પ્રેસે વિધાયક બળ તરીકે પૂરેપૂરા ઝૂઝવું જોઈએ. એમાં જ પ્રેસનું સાર્થક્ય છે.
પ્રેસની પરિસ્થિતિ પછી હવે પત્રકારની પરિસ્થિતિનો ક્યાસ કાઢવો રહે છે.
પ્રજાને માટે એક વિધાયક પરિબળ બની રહેવા માટે પત્રકારમાં એકલી એની વ્યક્તિગત ગુણવત્તા જ પૂરતી નીવડતી નથી. જે સમાજને માટે એ વિધાયક પરિબળ બની રહેવા ઇચ્છે છે એ સમાજને એનામાં ભરપૂર વિશ્વાસ હોવો જોઈએ. આપણી ચોતરફ નજર ફેરવતાં સ્પષ્ટપણે લાગે છે કે પત્રકારે પ્રજાનો વિશ્વાસ ગુમાવ્યો છે.