________________
૧૨૪ | સાહિત્યિક પત્રકારત્વ
વર્તમાનપત્રોએ માત્ર સમાચાર આપીને બેસી રહેવાને બદલે પોતાની વસ્તુસામગ્રીને વધુ સાહિત્યિક ફોરમ આપવા પ્રયાસ કર્યો છે. આમાં સાહિત્યસ્વરૂપોને ચુસ્ત વળગી રહેવાને બદલે પોતાની જરૂરિયાત પ્રમાણે અખબારોએ કેટલાક મૌલિક ઉમેરા ક્ય છે. આ માટે આપણાં અખબારોમાં આવતાં “આજની વાત' જેવાં સંવાદના કૉલમનું દૃષ્ટાંત જોઈએ. અહીં નાટકના સાહિત્યસ્વરૂપમાં પ્રયોજાતા સંવાદને અખબારે પોતાની આગવી રીતે ઉપયોગમાં લઈ લીધો છે. કટાક્ષલેખોમાં સમર્મ હાસ્યરસ (Humour) વિશેષ હોય છે, જ્યારે અખબારોમાં પ્રગટ થતી કટાક્ષિકાઓમાં નર્મયુક્ત વાકચાતુરી (Wit) વિશેષ હોય છે. હાસ્યલેખોમાં મનુષ્યની વૃત્તિ પર હાસ્ય હોય છે, જ્યારે અખબારમાં પ્રગટ થતી કટાક્ષિકાઓમાં તત્કાળ બનતી ઘટનાઓને વણીને વ્યક્તિ, પક્ષ કે સંસ્થા પર ઘણી વાર કટાક્ષ ફેંકાતો હોય છે. આવી જ રીતે સાહિત્યની ટૂંકી વાર્તાએ અખબારી સત્યકથા કે સમાજ કથાનું રૂપ ધારણ કર્યું છે. પોતાની મર્યાદામાં રહીને પણ સૌથી વિશેષ અખબારી નિબંધના કલાસ્વરૂપને આત્મસાત્ કરવાનો પ્રયત્ન કર્યો છે. શ્રી કરસનદાસ માણેક, “નારદ અને વેણીભાઈ પુરોહિત જેવાઓએ જૂના આખ્યાન કે છપ્પાના પદ્યસ્વરૂપને જુદા જ હેતુ માટે વર્તમાનપત્રની સેવામાં લીધું છે. એમણે પદ્યસ્વરૂપને બદલ્યું છે એટલું જ નહીં, પરંતુ એમાં વર્તમાનપત્રને રેડ્યું છે.
પ્રજાની ભાષા જેટલી વિકસિત હોય, એટલું એનું સાહિત્ય વિકસિત હોય છે. એના પત્રકારત્વ માટે પણ આ વાત એટલી જ સાચી છે. ભાષાના વિકાસ માટે જેટલો સાહિત્યને સંબંધ છે તેટલો જ અખબારને સંબંધ છે. યુરોપના આજના સાહિત્યને વર્તમાનપત્રોએ પુષ્કળ નવીન અને આધુનિક શબ્દો આપ્યા છે. ત્યાંથી આજ કાલની નવલકથાઓ અને નાટકોમાં વર્તમાનપત્રોના શબ્દપ્રયોગોનો ઘરખમ ઉપયોગ થાય છે. કમનસીબે આપણે ત્યાં સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચેનો સેતુ બરાબર રચાયો નથી.
સાહિત્ય અને પત્રકારત્વના સહિયારા ક્ષેત્રમાં આજે કટોકટી ઊભી થઈ છે. દુનિયામાં જે બની રહ્યું છે, તેને ઝીલવા માટે પ્રાદેશિક ભાષામાં અખબારો પાસે સાધનો ખૂટી ગયાં છે. એને જોઈએ તેવા શબ્દો મળતા નથી. ઉપમા, અલંકાર, કહેવતો, રૂઢિપ્રયોગો અને વાક્યરચનાઓ વગેરે જૂનાં થઈ ગયાં હોવાથી નવી પરિસ્થિતિનું પ્રતિબિમ્બ પાડવામાં તે મોળાં પડે છે. અંગ્રેજી પત્રકારત્વની શાબાશી આપવા જેવી પ્રવૃત્તિ એ છે કે, પોતાના વપરાશી શબ્દકોષની નિરંતર કાયાપલટ કર્યા કરે છે. અતિ વપરાશને કારણે ઘસાઈ ગયેલા શબ્દોને કાઢી નાખીને પ્રચલિત શબ્દપ્રયોગો, લોકબોલીના શબ્દપ્રયોગો, નવીન સાહિત્યરચનાઓમાંથી સાંપડેલા નવા શબ્દો-અલંકારો, તેમજ વિજ્ઞાનની અનેકવિધ શાખાઓના શબ્દપ્રયોગો પણ અખબારી ભાષામાં લેવાય છે.