________________
૧૨૨ D સાહિત્યિક પત્રકારત્વ
વિવિધ સામયિકોમાં પ્રગટ થયેલા લેખો પુસ્તકાકારે જોવા મળે છે. ગુજરાતી સાહિત્યમાં ઘણી મોટી સંખ્યામાં નવલકથાકારો દૈનિક દ્વારા આગળ આવ્યા છે. ગુણવંતરાય આચાર્ય, ચુનીલાલ વ. શાહ, શિવકુમાર જોશી, ઈશ્વર પેટલીકર, મોહમ્મદ માંકડ, વિઠ્ઠલ પંડ્યા, સારંગ બારોટ અને શયદા જેવા ઘણા નવલકથાકારોએ અખબારમાં લખીને પોતાની સર્જન-પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો છે. શ્રી સુરેશ જોષીની ‘માનવીનાં મન' જેવી કૉલમ શુદ્ધ સાહિત્યિક બરનીં હોવા છતાં તેમાં પ્રતિબિંબિત સંવેદનાને કારણે રોચક વાચન પૂરું પાડે છે. ‘પ્રજાબંધુ’ની સાહિત્યચર્ચા, ‘ગુજરાતી’ની સાહિત્યપૂર્તિની સળંગ શ્રેણી, ‘જન્મભૂમિ’નો ‘કલમ અને કિતાબ’ વિભાગ તેમજ ‘સંસ્કૃતિ’, ‘કુમાર’, ‘ગ્રંથ’ અને ‘નવચેતન' જેવાં સામયિકોએ કરેલી સાહિત્યસેવા ભૂલી શકાશે નહીં.
અખબાર એ સામૂહિક પ્રસારણનાં માધ્યમોમાંનું એક ગણાય છે, તેમ છતાં એ સાહિત્ય સાથે અત્યંત નિકટનો સંબંધ ધરાવે છે. જે પત્ર સાહિત્યિક દૃષ્ટિએ વધુ સુઘડ અને વધુ રોચક વાચન પૂરું પાડે તે ઊંચી કોટિનું એમ અત્યારે પણ મનાય છે. સામગ્રી વર્તમાનપત્રની હોય, વર્તમાનપત્ર માટે હોય છતાં એ સામગ્રીને સાહિત્યિક ઘાટ આપવાનો પત્રકારનો સતત પ્રયત્ન હોય છે. પત્રકારત્વના વિકાસ સાથે પણ સાહિત્ય સંકળાયેલું રહ્યું છે.
‘નવચેતન’ના તંત્રીશ્રી ચાંપશીભાઈ ઉદેશીને સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચેના સંબંધ અંગે પ્રશ્ન પૂછતાં તેમણે આવો ઉત્તર આપ્યો હતો :
“ખરું જોતાં તો પત્રકારત્વ એ સાહિત્યનો જ એક પ્રકાર છે. પણ એ પ્રકાર એક રીતે પ્રાસંગિક અને અલ્પજીવી હોઈને સાહિત્યના અન્યાન્ય પ્રકારો જેટલું મહત્ત્વ એને ન અપાય એ સ્વાભાવિક છે. સાહિત્યનું આયુષ્ય જેટલું વધારે એટલું અદકું એનું મૂલ્ય. એટલે જ આપણે સામાન્યતઃ પત્રકારત્વને સાહિત્ય લેખતા નથી. સાહિત્યનો મૂળ અર્થ છે ‘સાધન’. એ મૂળ અર્થાનુસાર પત્રકારત્વ પણ જનતાને સાંપ્રત પ્રવાહોથી પરિચિત રાખવાનું સાધન છે. પણ પત્રનો પ્રત્યેક અંક ઝડપભેર તૈયાર કરવાનો હોઈને એ તૈયાર કરતી વેળા સાહિત્યની ચિરંજીવતાની દૃષ્ટિ રાખવી પાલવતી નથી, આમ છતાં હવે વર્તમાનપત્રો પણ સાહિત્યનો યોગ સાધતાં થયાં છે. પત્રકારને સાહિત્યનો જેટલો વધુ સ્પર્શ તેટલે અંશે એ વધારે સારી રીતે રજૂઆત કરી શકે એમ હું માનું છું. સાહિત્યના લેશમાત્ર સ્પર્શ વિનાનું પત્રકારત્વ મીઠા વિનાના ભોજન જેવું લેખાય.”
સાહિત્યકાર પત્રકારત્વને કઈ રીતે સમૃદ્ધ કરી શકે તેનો સુંદર દાખલો સ્વ. ઝવેરચંદ મેઘાણીએ પૂરો પાડ્યો છે. સાહિત્યની ફોરમને વર્તમાનપત્રમાં મૂકીને, તેમજ સાહિત્યની મૂલ્યવત્તાને સહેજે હાનિ પહોંચાડ્યા વિના સાહિત્યિક સુગંધવાળી, હળવાશભરી, પાસાદાર ભાષાનો એમણે પ્રયોગ કર્યો છે. ૧૯૪૧માં અમદાવાદમાં