________________
- સાહિત્ય અને પત્રકારત્વ
વાડીલાલ ડગલી
પત્રકારત્વ અને સાહિત્યનો કાચો માલ ભાષા છે. બાંધકામ ઉદ્યોગની પરિભાષામાં કહું તો સાહિત્ય અને પત્રકારત્વ બંનેનાં ઈંટ-ચૂનો અને સિમેન્ટ ભાષા છે. આથી એક એવો આભાસ થાય કે આ બંને એક જ પ્રકારની પ્રવૃત્તિ છે. પણ હકીકત એમ છે કે પત્રકારત્વ આપણા રહેવાના સીધાસાદા ઘર જેવું છે, જ્યારે સાહિત્ય તાજમહાલ જેવી કળાકૃતિ છે. કાચો માલ એક છે, પણ આખરી બનાવટ જુદી છે. કોઈ પત્રકારે બહુ સારો લેખ લખ્યો હોય તો કોઈ એમ કહે : “આ તો એક સાહિત્યકૃતિ જેવું તમે લખ્યું.” કોઈ સાહિત્યકૃતિ નબળી હોય તો વિવેચક કહી બેસે : “આ તો છાપાળવું છે.” આમ કળાની દૃષ્ટિએ પત્રકારત્વની મથરાવટી મેલી છે. પણ એવું બનતું હોય છે કે ઘણા પત્રકારો સાહિત્યમાં પડ્યા હોય છે. ઘણા ઉત્તમ સાહિત્યકારો ઉત્તમ પત્રકારો પણ હતા. આમ કહું છું ત્યારે ગાંધીજી, મુનશી, મેઘાણી, મહાદેવભાઈ, જયંતી દલાલ અને મડિયા મને તરત યાદ આવે છે. વિદ્યમાન સાહિત્યકારોની વાત કરીએ તો ઉમાશંકર જોશી, ઈશ્વર પેટલીકર, હરીન્દ્ર દવે, ભગવતીકુમાર શર્મા અને રાધેશ્યામ શર્માનું સ્મરણ થાય છે. આ યાદી ઘણી લાંબી કરી શકાય. પણ કહેવાનો મુદ્દો એ છે કે પત્રકાર અને સાહિત્યકારનું જોડકું આપણા સંસ્કારજગતની સામાન્ય ઘટના છે.
સાહિત્ય અને પત્રકારત્વના સંબંધની ચર્ચા કરીએ એ પહેલાં સાહિત્ય અને પત્રકારત્વ શું છે એ જાણવાનો પ્રયત્ન કરીએ. સાહિત્ય એટલે એવું લખાણ કે જેનું મુખ્ય લક્ષણ સર્વ કાળ અને સર્વ સ્થળના ભાવકોને આનંદ આપે એવા વિચારોની અભિવ્યક્તિ અને આકૃતિ હોય. સાહિત્યના હાર્દમાં બહુ વિશાળ અર્થમાં વિચાર છે. આ વિચારની રજૂઆત એ અભિવ્યક્તિ અને જે કૃતિ દ્વારા અભિવ્યક્તિ થાય છે એની રચનાકળા એટલે આકૃતિ. આમ કવિતા, નિબંધ, વાર્તા કે નાટક આ સાહિત્યવિચારનું માળખું છે. સાહિત્યનો આનંદકણ વિચારમાંથી જન્મે છે.
સાહિત્યની એક લાક્ષણિકતા એ છે કે એ સ્થળ અને કાળ પર વિજય મેળવે