________________
પ્રતિભાવ-૫ “સપ્તભાષી આત્મસિધ્ધિ”નું વિમોચન
(અમરેલી સમાચાર) અજોડ અદ્વિતીય એવા જૈન દર્શનનો નીચોડ દર્શાવતું એક શ્રેષ્ઠ અમર કવિત મ. ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજીએ સર્વદર્શનના સારરૂપ શ્રી “આત્મસિધ્ધિ શાસ્ત્ર” આપ્યું તે આત્મસિધ્ધિનો ભાવાનુવાદ અનેક ભાષાઓમાં થયો છે. તેમાં સર્વોત્કૃષ્ટ પ્રકાશન “જિનભારતી' - વર્ધમાન ભારતી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનના માધ્યમથી અમરેલીના વતની બેંગલોર સ્થિત અધ્યાત્મધ્યાન પ્રેરક ભાષાવિદ્ પ્રા. પ્રતાપરાય ટોલિયાએ પપૂ. યુગપ્રધાન શ્રી સહજાનંદઘનજીની પ્રેરણાથી ૩૨ વર્ષના દીર્ઘ પરિશ્રમે તૈયાર કરેલ “સપ્તભાષી આત્મસિધ્ધિ”નું વિમોચન શ્રીમદ્જીના જન્મદિને ૨૦૫૮ના કા.સુ. ૧૫ના શુભ દિવસે બેંગલોરમાં થયું.
પદ્મભૂષણ પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી, માતાજી ધનદેવીજી, પ. બેચરદાસજી, પરમવિદુષી પૂ.વિમલાઈ વગેરે સ્વનામધન્ય મહાનુભાવોએ સપ્તભાષી આત્મસિદ્ધિના ગુણગાનમાં કોઈ કમી રાખી નથી. એવા આ કવિતના વિમોચન સમયે મધુરવક્તા આચાર્ય શ્રી ચંદ્રાનનસાગરજીએ તેમજ તપસ્વી સાધક અશોકભાઈ સંઘવીએ પોતાની આગવી શૈલીમાં ગ્રંથકર્તા, ગ્રંથસંપાદન અને ગ્રંથનિર્માતાઓનો વિશિષ્ટ પરિચય કરાવ્યો, શ્રીમદ્જીના અનન્ય કવિતનો મહિમા ગાયો અને સરસ્વતીપુત્ર સંપાદકની અનુમોદના-સરાહના કરી.
શ્રીમદ્ રાજચંદ્રના હસ્તાક્ષરમાં, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, મરાઠી, બંગલા, કન્નડ અને અંગ્રેજી એમ સાત ભાષાઓમાં એક એક પદ્યમય ગાથા સમશ્લોકી ગેયસ્વરૂપે અપાયેલી ૧૪૨ ગાથાઓના સંપુટ સહ કુલ ૨૦૦ મોટા પૃષ્ઠોમાં મ. ગાંધી અને શ્રીમદ્ રાજચંદ્રનો પરિચય-સંબંધ, પરિચયાત્મક નોંધો, અનુવાદ, પરિશિષ્ટો, આત્મસિધ્ધિની ઉત્કૃષ્ટતા દર્શક અનેક મહાનુભાવોના ઉપકારક પ્રતિભાવો, આર્ટ પેપર પરનું મુદ્રણ, છબીઓ - વિશેષતઃ ધ્યાનસ્થ રાજચંદ્રજીની અંતિમ વર્ષોની તસ્વીર વગેરે અનેકવિધ મનભાવન વિગતોનું હિમાલયના ગિરિમાળાના શેલશિખરોથી પરિવૃત આકર્ષક આવરણ-મુખપૃષ્ઠ સૌને અંતરતમથી ગમી જાય તેવું છે. જૈન ધર્મના કે અન્ય ધર્મોના અધ્યાત્મના પારખુઓ તથા આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિવાંછુઓ સૌને માટે આ ગ્રંથ ખરેખર વસાવીને આત્મસાત્ કરવા જેવો છે.
કોઈ પણ આર્થિક સહયોગ વિના માત્ર ગુરુકૃપાએ તૈયાર થયેલ આ મૂલ્યવાન અપ્રતિમ ગ્રંથની પડતર કિંમત રૂા. ૫૦૧/- છે. ટપાલથી રૂા. ૨૫/- પોસ્ટેજ વધુ થાય. – દર્શક રસિકભાઈ શાહ “અમરેલી સમાચાર” ૨૦-૯-૦૨ (સાહિત્ય દર્શન)
૨૮
રાજગાથા