________________
એ જ્ઞાનાવતારની અસીમ કૃપાથી આ દેહધારી નિશ્ચયાત્મકપણે એમ જાણી શક્યો છે કે પૂર્વના કેટલાક જન્મોમાં કેવળ પુરુષવેદે આ આત્માનો એ મહાન પવિત્ર આત્મા સાથે વ્યવહારથી નિકટનો સગાઈ સમ્બન્ધ અને પરમાર્થથી ધર્મ સમ્બન્ધ થયેલો છે. એમની અસીમ કૃપાથી આ આત્મા પૂર્વે અનેકવાર વ્યવહારથી રાજઋદ્ધિઓ અને પરમાર્થથી મહાન તપ-ત્યાગના ફળસ્વરૂપ લબ્ધિસિદ્ધિઓ અનુભવી ચુક્યો છે. રાજઋદ્ધિઓથી ઉદ્ભવતા અનર્થોથી બચવા પૂર્વ જન્મે આયુબંધ કાળે કરેલા સંકલ્પબળે આ દેહધારી આ દેહે એક ખાનદાન કિંતુ ઉપજીવનમાં સાધારણ સ્થિતિવાળા કચ્છી વીસા ઓશવાલ અંચલગચ્છીય જૈન કુટુંબમાં જન્મ્યો છે. સ્તનપાન કરતે-કરતે એ જનનીમુખે સાંભળીને નવકાર મંત્ર શીખ્યો. જે મંત્રના પ્રતાપે કેવળ રા વર્ષની વયે સ્વપ્ન અવસ્થામાં સંસારકૂપને એ ઉલ્લંઘી ગયો. ૪ વર્ષની વયે એને ખુદની આંખે પ્રકાશ-પ્રકાશ દેખાયો. ૯/૧૦ વર્ષની વયે એને શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત ગ્રન્થ વાંચવાનું સૌભાગ્ય સાંપડ્યું, જેને વાંચતાં એ શિક્ષા પૂર્વ પરિચિત લાગી. તેમાંથી “બહુ પુચકેરા પુંજથી, નિરખીને નવયૌવના.. ક્ષમાપના પાઠ, વિગેરે એણે સહસા કંઠસ્થ કર્યા, હું કોણ છું, ક્યાંથી થયો”?.. આ ગાથા એની જીભે રમતી થઈ ગઈ તેમજ “નિરખીને નવ યૌવના” આ શિક્ષાબળે, લઘુવયે થયેલી સગાઈવાળી કન્યાના લગ્ન પૂર્વે જ દેહ છૂટી જતાં, બીજી કન્યા સાથે થતા સગાઈ સમ્બન્ધને ટાળી એ આત્મસમાધિમાર્ગે ઝુકી શક્યો; અને ૧૯ વર્ષની વયે એને મોહમયી નગરે અનાયાસ સહજસમાધિદશાનો સાક્ષાત્કાર થયો. જેનું વર્ણન એ પહેલાં કરી ચુક્યો છે.
વયમર્યાદાના એકવીસમા વર્ષે આ દેહધારી જૈન શ્વે. સાધુ બન્યો. ત્યાર પછી એને અનેક અદ્ભુત અલૌકિક અનુભવો થયા. તે પૈકી થોડાક મહત્વપૂર્ણ અનુભવો, સાહસિક સાધકોને ઉત્સાહિત કરવા અત્રે રજુ કરું છું.
(૧) આકાશવાણીનો અનેકવાર પરિચય. (૨) અનહદ ધ્વનિ, દિવ્ય દર્શન, દિવ્ય સુગંધ, દિવ્ય સુધારસ અને દિવ્ય સ્પર્શ – એ પાંચ દિવ્ય વિષયોનો સાક્ષાત્કાર. (૩) ભાવિમાં હોનહાર ઘટનાઓનું વર્તમાનમાં ક્વચિત અનાયાસ ભાસન. (૪) ઈંદ્ર પર્વતના દેવલોકવાસીઓનું અનેકવાર પ્રત્યક્ષ મિલન. (૫) ચૈતન્ય-ટેલીવિઝન પદ્ધતિએ પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનું પ્રત્યક્ષ દર્શન અને આશીર્વાદ. (૬) શ્રી સીમંધર પ્રભુના આશીર્વાદ એ વિશિષ્ટ પદની અનુભૂતિ. (૭) મહાવિદેહ ક્ષેત્ર એ આ દુનિયાથી અલગ સ્વતંત્ર દુનિયા છે એવી અફર પ્રતીતિ. (૮) આત્મલબ્ધિએ ઉપાસ્યપદે ઉપાદેયતાઃ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - રવલ્પ પરિચય
૧૮૧