________________
૨૨
ઉપાસ્યપદે ઉપાદેયતા (ઉપાસ્યપદે ઉપાદેયતા અંતર્ગત) શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - સ્વલ્પ પરિચય
લેખક : સહજાનંદઘન - હંપી જૈનો, શૈવો અને વૈષ્ણવોનું પ્રાચીન તીર્થધામ આ હંપી - વર્તમાન મૈસુર રાજ્ય બેલ્લારી જિલ્લામાં ગુંટકલ-હુબલી રેલ્વે લાઈનના હોસ્ફેટ સ્ટેશનથી કેવળ છ માઈલ દૂર પૂર્વોત્તર ખૂણે વસેલું છે. (આવવા-જવા માટે એસ.ટી. બસ સર્વિસની પુરતી સગવડ છે) પાકી સડક, હરિયાળાં પ્રદેશ અને ઐતિહાસિક પુરાતત્વ સામગ્રી વિશ્વભરના યાત્રિકોને અહીં ખેંચી લાવે છે.
આ આશ્રમનો પરિચય પ્રાપ્ત કરવા માટે આ ભૂમિનો પણ પરિચય પ્રાપ્ત કરવો અનિવાર્ય છે. એના પરિચયમાં એની ઐતિહાસિકતા જાણવા લાયક હોવાથી સર્વપ્રથમ એ અત્રે રજુ કરાય છે. આ ભૂમિનો ઈતિહાસ :
“આજથી પ્રાયઃ ૧૧,૮૬,૪૯૩ વર્ષ પૂર્વે જ્યારે વીસમા તીર્થંકર ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામી આ ભરતક્ષેત્રમાં જ્ઞાન-ગંગા વહેવડાવી ભવ્ય કમલોને વિકસાવતા હતા ત્યારે તેમના અનુયાયી વર્ગમાં વિદ્યાધરો પણ સારી સંખ્યાએ સમ્મિલિત હતા. તે વિદ્યાધર વર્ગમાંના વિદ્યાસિદ્ધ રાજાઓ પૈકી રામાયણપ્રસિદ્ધ વાલી-સુગ્રીવ જ્યાં રાજ્ય કરતા હતા અને તેઓની રાજધાની જે કિષ્કિન્ધાનગરી કહેવાતી હતી - તે જ આ વિદ્યાધર ભૂમિ.’’
અહીંની પહાડી શિલામય શિખરમાળાઓમાંના કેટલાક શિખરોના ઐતિહાસિક નામો - ઋષ્યમૂક, ગંધમાદન, માલ્યવન્ત આદિ પુરાતત્વ સંશોધકોને મૂક આહ્વાન આપી રહ્યાં છે.
અંતિમ તીર્થંકર શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવના શાસનકાળમાં ઈ.સન્ની ચોથી સદી પૂર્વે અહિ આંધ્રવંશી રાજાઓ રાજ્ય કરતા હતા. તે પછી ચોથી સદીમાં કદમ્બવંશી રાજાઓએ રાજ્ય કર્યું, જેઓ જૈનધર્માનુરાગી હતા. તેમના તત્કાલીન શહેરો પૈકી ઉચ્ચશૃંગ શહેર હતું, કે જેના અવશેષો બેલ્લારી જિલ્લાના હરપનહલ્લી તાલુકામાં છે.
ઉપાસ્યપદે ઉપાદેયતા : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - સ્વલ્પ પરિચય
૧૬૧