________________
સમભાવયુક્ત છે. કમ્મપયડી ઉપર મલયગિરિ મહારાજની સુવિસ્તૃત ટીકા છે. આ જ કમ્મપયડી ઉપર ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે પણ ટીકા રચી છે. તેમની ટીકામાં શબ્દાર્થ અને વિવેચન ઉપરાંત એકેક કરણ ઉપર સુવિસ્તૃત સમાલોચના છે. આ કમ્મપયડીનું પ્રકાશન આજથી ૪૫ વર્ષ પહેલાં મેં કરેલ અને તેમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજનો સંક્ષિપ્ત પરિચય આપેલ. ઉપાધ્યાયજી મહારાજનું વચન ટંકશાળી વચન ગણાય છે. ૩૦૦ વર્ષ પહેલાં થયેલા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજના બનાવેલા ગ્રંથોમાંના ઘણા ગ્રંથો આજે મળતા નથી પરંતુ જે મળે છે તે ગ્રંથોનું સાવંત અધ્યયન કરવા માટે આખી જિંદગી પણ ઓછી પડે તેમ છે.
ઉપાધ્યાયજી મહારાજનો વંશવેલો લાંબો ચાલ્યો હોય તેમ દેખાતું નથી. કારણ કે જો તેમનો શિષ્ય પરિવાર લાંબો ચાલ્યો હોત તો તેમના ગ્રંથોની સાચવણી અને તે ઉપરનું વિશદ્ વિવરણ થયા વગર રહ્યું ન હોત.
(૯) ઉપાધ્યાય યશોવિજયજી મ.ના સ્વર્ગગમન બાદ આજ સુધી તેમની તુલના કરે તેવો કોઈ સાધુ કે વિદ્વાન શ્વેતાંબર કે દિગંબર સંપ્રદાયમાં પાક્યો નથી. વિષમ કાળમાં પણ તેઓએ જે તટસ્થ વૃત્તિથી પારંપારિક વિચારણાને ગૌણ કરીને પણ સ્પષ્ટ વિચારધારા રજૂ કરી છે તે ખૂબ જ અજોડ છે.
ન્યાયવિશારદ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સંબંધી મુરબ્બી પંડિત શ્રી સુખલાલજીએ અનેક જગ્યાએ ઘણું જ વિશદ્ વિવરણ કરેલ છે. અને તે ખૂબ જ ઉપયોગી તથા વિચારણીય છે.
હાલ મારી આંખોનું તેજ ઓછું થયેલ છે. કોઈ પણ જાતનું હું વાંચી કે લખી શકતો નથી. અને તમામ પ્રવૃત્તિથી નિવૃત્ત છું. છતાં ભાઈ શ્રી કુમારપાળ દેસાઈએ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ માટે લખીને મોકલી તેવો પ્રેમભર્યો આગ્રહ કરતાં મેં જે કાંઈ સ્મૃતિમાં હતું તે માત્ર સ્મૃતિના આધારે લખાવ્યું છે. આમાં કોઈ પણ ભૂલચૂક કે શાસ્ત્રવિરુદ્ધ લખાયું હોય તેના મિચ્છામી દુક્કડ સાથે વિરમું છું.
( યશોભારતી n ૧૪૦ )