________________
દામ્પત્યની અર્ધશતાબ્દીએ ૧૯૪૮ની નવમી ડિસેમ્બરનો દિવસ એ મારા જીવનનો એક વિરલ દિવસ હતો. આજે વર્ષો વીત્યાં છતાં એ દિવસનાં મધુર સ્મરણો ભુલાતા નથી. મારા લગ્નના એ દિવસે હૃદયમાં કેટલાય ભાવો સાથે નવજીવનની ધરતી પર પગ મૂકતી હતી. અભ્યાસકાળમાં વાંચેલી નવલકથાઓએ દાંપત્યજીવનની એક તસવીર મારા જીવનમાં ખડી કરી હતી. તેથી કલ્પનાઓની પાંખે વાસ્તવની ધરતી પર પગ માંડતી
હતી.
પુસ્તકોના વાંચને એટલી વાત તો સમજાવી હતી કે જીવનની ખરી મજા કસોટી અને સંઘર્ષમાં છે, અને જીવનનો સાચો આનંદ સંઘર્ષ સામે લડીને એના પર વિજય મેળવવામાં છે. આવો આનંદ જ જિંદગીમાં નવા ઉત્સાહ અને પ્રેરણાની મનભર રંગોળી પૂરતાં હોય છે.
આજે ૪૯ વર્ષના અમારા દાંપત્યજીવનને જોઉં છું ત્યારે એમ લાગે છે કે ક્યારેક મતમતાંતરો થયાં હશે, પરંતુ અંતે અમે સાથે મળીને એક જ નિર્ણય કરીને તેનો પૂર્ણ શ્રદ્ધાથી અમલ કર્યો છે. આથી જ સમાજ-જીવનનાં સેવાકાર્યો શક્ય બન્યાં છે.
આજની આ ક્ષણે હૃદયમાં એટલી જ ભાવના છે કે જીવનસફરના સાથી સાથે જીવનના અંત સુધી સફર ખેડવાનો આનંદ મળતો રહે. સમાજના દુ:ખી માનવીઓની સેવા કરવાની વધુ ને વધુ તક મળતી રહે. આવું જીવન જીવતા જીવતા પરમાત્મા સાથે હૃદયના તાર મેળવતા જઈએ અને શેષ જીવનમાં ભક્તિ અને કરુણાનું સંગીત વહેવડાવતા જઈએ એ જ છે અભ્યર્થના.
– ઊર્મિલા ચંદ્રકાન્ત ભણસાળી