________________
કલાભાસને આબાદ નમૂને
૧૧૯ તેઓ પૂરા ગરક થયા હતા. તે ઉપરાંત કલાવિવેચકો, કે જેમની પાસે કલાથી ચેપાવાની શક્તિ હોતી નથી, તેથી વૅરના ઑપેરા જેવી, નર્યા બુદ્ધિના ખેલ જેવી કૃતિઓને જેઓ ખાસ પસંદ કરે છે, – એવા તે બધા વિવેચકો પણ તર્કના ઘોડા દોડાવવાને માટે આવી મબલક સામગ્રી પૂરી પાડતી કૃતિને, ભારે જ્ઞાનભારની ગહનતાપૂર્વક, પોતાની સંમતિ આપે છે. અને આ બે મંડળની પાછળ, કલા વિષે બેપરવા, તેનાથી ચેપાવાની શક્તિ વિશે વિકૃત અને કાંઈક અંશે તે બહેર પણ મારી ગયેલી, એવું પેલું મોટું શહેરી ટોળું જાય છે. તેમાં મોખરે હોય છે રાજકુમારો, કરોડાધિપતિઓ અને કલાપતિઓ (આર્ટપેટ્રન”); શિકારમાં નિષ્ફળ ગયેલા ખિન્ન કૂતરાઓની પેઠે, તેઓ પોતાના મત સૌથી મોટે ને મક્કમતાથી બતાવનારાની પડખે વળગ્યા રહે છે. જેમનો મત તેમને સત્તાવાર લાગે છે તેમની પાસેથી તરતમાં સાંભળીને તેને તેઓ જુદે રૂપે ગાયા કરે છે, અને કહે છે, “ઓહો, જરૂર! શી કવિતા! ક્યા ખૂબ ! ખાસ તે પેલાં પક્ષી”; “હા હા, હું તો વારી ગયો છું!”
અને જો કેટલાક લોકો આ આખા તમાસાનાં બેહૂદગી અને બનાવટીપણાથી સમસમે, તોપણ ડરના માર્યા, પીધેલ ટોળામાં સપડાયેલા ના-પીધેલા અને ઠેકાણા-વાળા માણસ ડરીને ચૂપ રહે છે તેમ, તેઓ ચૂપ રહે છે.
અને આ પ્રમાણે, આ અર્થ વગરની અશિષ્ટ, નકલી કૃતિ, કલા સાથે તેને કાંઈ મળતાપણું ન હોવા છતાં, નકલ ઉતારવાની પોતાની આબાદ આવડતને લઈને, આખી દુનિયામાં માન્યતા પામે છે, તેને ભજવવા પાછળ લાખો રૂબલ ખર્ચાય છે, અને ઉપલા વર્ગના લોકોની રુચિ અને તેમના કલાના ખ્યાલને વિકૃત કરવામાં વધુ ને વધુ મદદ કરે છે.