________________
તેમને કલા અંગેનો આ પ્રશ્ન પોતાના જીવનમાંથી જાગ્યો હતો. તે એમની અંતર્મુખતાનું ફળ હતો. ૫૦ વર્ષની ઉંમરે પહોંચતાં સુધીમાં તે યુરોપમાં એક ઉત્તમ સાહિત્યકાર તરીકે નીવડી ચૂકેલા હતા. પરંતુ એ માત્ર સાહિત્યકાર નહોતા. તે એક સત્યશોધક સાધક પણ હતા. જીવનને કલાકારની નાજુક સંવેદનાથી તે અનુભવનાર હતા. કુશળ ફિલસૂફની તીક્ષ્ણ વેધકતા એમની બુદ્ધિમાં હતી. અને એ બુદ્ધિ ધર્મ કે સામાજિક વાડા યા રૂઢિ ઇ૦ થી સ્વતંત્ર હતી. અને સૌથી ખાસ તો એ કે, તે પોતાની આસપાસના જીવનને અને પોતાને પણ, ઊંડે ઊતરીને અને અપ્રમાદપૂર્વક નિહાળનાર, અને ચકાસી જોનાર હતા.* સૉક્રેટીસ પેઠે એ ભારે જિજ્ઞાસુ હતા. પોતાના કાળના યુરોપમાં, રશિયામાં, મોસ્કોમાં અને પોતાની જમીનદારીનાં ગામડાંમાં અને પોતાના અમીર ઘરમાં, એટલે કે, અમીર ઉમરાવોમાં,-બધે જે કાંઈ તે જુએ-જાણે, તેનો તંત કાઢવા તે સહેજે પ્રેરાતા. સૉક્રેટીસ પેઠે એમણે યુદ્ધ પણ જોયું હતું. અને રણક્ષેત્રો પર સૈનિકો જ્યારે પશુ પેઠે લડી લડીને જડતાની ઊંઘ કાઢતા, ત્યારે આ સંવેદનભર્યો માનવાત્મા તે સંહારમાંય જડ ન બનતાં, રણક્ષેત્રની મરણ-ભૂમિકામાં જીવનતત્વને ચિતવતો. આમ, અમીર જીવનના આરામમાં પણ, શાકય મુનિ જેવા રાજર્ષિ સ્વભાવને એ માણસ જીવનનાં મૂળતત્ત્વોને વિચાર ભૂલતા નહિ. કલાકાર-માનસનું એક એવું લક્ષણ લાગે છે કે, ઇંદ્રિયાનુભવ અને તેનાં સુખદુ:ખના આવેગો તે નાજુકાઈથી ને તીવ્રપણે માણે છે, પણ તેની જ સાથે—કદાચ તેને જ નિમિત્તે તે માનવ હૃદયમાં રહેલાં ઊંડાં તત્ત્વોને પણ પામે છે. આવી બેનાળી સંવેદના કલાકીય પ્રકૃતિનું લક્ષણ તો ન હોય? એ ગમે તે હો, ટૉલ્સ્ટૉય પ્રકૃતિએ આવા હતા. સંગીત માટે તેમને ભારે શોખ હતો, એમ પોતે
ક મેડ (“ટૉલ્સ્ટૉય ન આટ', પા. ૯૭) આ સંબંધમાં કહે છે કે, “ખરેખર, તેમના આ કામને માટે તે પૂરા લાયક હતા. . . . એ અર્થે એમની પાસે માણસો અને પુસ્તકોનું ભારે જ્ઞાન હતું, જીવનને બહોળો અનુભવ હતો, અને બુદ્ધિ તથા અંતરાત્માનો અવાજ એ બે સિવાય કોઈ સત્તાના બંધનમાંથી એ મુક્ત હતા.”