________________
પૂ. શ્રી જૂઠાભાઈ
ત્યારબાદ શેઠશ્રી જેસિંગભાઈ તથા શ્રી જૂઠાભાઈ શેઠ પન્નાલાલને ત્યાં ઘણી વખત રાત્રે જતા. શ્રી જેસિંગભાઈએ ૫.કૃ.ને જમવાનું આમંત્રણ કર્યું હતું તેથી બીજે દિવસે તેમને ત્યાં જમવા પધાર્યા હતા. તે જ વખતે પૂ.જૂઠાભાઈને અમૃત ભોજન આપ્યું. કૃપાળુદેવ તેમના મનની વાતો જાણીને પ્રગટ કહેતા. તે સાંભળીને જૂઠાભાઈને તથા બીજાઓને આશ્ચર્ય લાગતું. જૂઠાભાઈએ તો તેમને સદ્ગુરુ ધારી જ લીધા હતા. બાકી જેસિંગભાઈ-આ વિદ્વાન કવિ અને મોટા માણસ છે એટલું જાણી શકેલા પણ આત્મકલ્યાણની ઈચ્છા તેમને જાગેલી નહીં. તેથી યથાર્થ ઓળખાણ થયું નહીં, શ્રદ્ધા બેઠી નહીં.
૧૯૪૪માં શેઠશ્રી દલપતભાઈના વંડે પરમ કૃપાળુદેવે અષ્ટાવધાન કર્યા હતા. તે જોઈ જૂઠાભાઈને ઘણો પ્રભાવ વેદાયો.
- આ વખતે શ્રી જૂઠાભાઈ સાથે શ્રી પ.કૃપાળુદેવ તેમની દુકાને ઘણી વખત જતા અને બેસતા. એ જ અરસામાં શેઠ દલપતભાઈનો પુસ્તક ભંડાર જોવા કૃપાળુદેવ જૂઠાભાઈની સાથે પધારેલા તે વિષે શ્રી જૂઠાભાઈએ જેસિંગભાઈને વાત કરેલ કે “શ્રીમદ્ પુસ્તકોના પાના માત્ર ફેરવી જતા, અને શાસ્ત્રનું રહસ્ય સમજી જતા. હું એક પછી એક ગ્રંથ બતાવતો અને તેઓ તરત પાછું આપી દેતા, એમ ઘણાય ગ્રંથો જોયા.”
પૂ.શ્રી જૂઠાભાઈને જયારે પ.કૃ.દેવના પ્રથમ દર્શન થયાં ત્યારે પ.કૃ.દેવના ચરણે સાષ્ટાંગ દંડવત્ કર્યા. સત્યપરાયણે મીંટ માંડીને સ્નેહનજર ભરીને નીરખ્યા અને તે નિરંજન દેવની મનોરમ મૂર્તિ નયનમાં અવતારી લીધી. નયન દ્વારા અંતરની ઊંડી ગુફામાં છુપાવી દીધી. એ નયનરમ્ય, ચિત્ત ઠારક છબી, આત્મપ્રદેશે વણી લીધી.
મનમોહન સાથે મેળ મળ્યો મન રંગે રે, રંગે રે મન રંગે, મોટા શું મન મેળ મેળવતાં ચિંતા ઝાળ પ્રજાળ, અટ્ટાણું સુત જેમ સુખ પામ્યા, મોટા માન વધારે રે.” - મેળ. ૧