________________
પૂ. શ્રી જૂઠાભાઈ
૩. ભક્તાવતાર શ્રી સત્યપરાયણની આત્મચર્યાનું પ્રશસ્ત ભાવે કિંચીત્ નિદિધ્યાસન કરીએ :
ગુજરાતના પાટનગર સમા અમદાવાદ શહેરમાં દશાશ્રીમાળી જૈનના પ્રસિદ્ધ કુટુંબોમાં શેઠશ્રી મલીચંદ જેચંદનું કુટુંબ એક નામાંકિત કુટુંબ ગણાતું. મલીચંદ શેઠના ધર્મદ્રઢ સુપુત્ર શેઠ શ્રી ઊજમશીભાઈને ત્રણ પુત્રો હતા. (૧) શ્રી જેસિંગભાઈ (૨) શ્રી જૂઠાભાઈ અને (૩) શ્રી ગોકુળભાઈ એમ ત્રણેય વયનાનુસાર હતા. તેમના દાદા મલીચંદ જેચંદની પેઢીને પરમકૃપાળુ દેવ પુણ્ય પ્રભાવક વિશેષણ લગાડતા. ત્રણ પુત્રોમાંના આ ચરિત્ર નાયક વચેટ બંધુશ્રી “સત્ય પરાયણ” - પૂ. શ્રી જૂઠાભાઈનો જન્મ વિક્રમ સંવત ૧૯૨૩ના કારતક સુદી બીજના રોજ થયો હતો. જૂઠાભાઈના પિતાશ્રીનું નામ - ઊજમશીભાઈ અને માતાનું નામ જમનાબાઈ હતું. તેઓ બાળપણામાં નિખાલસ પ્રકૃતિના, નમ્ર, ગુણગરવા હતા. બુદ્ધિમાં અત્યંત વિચક્ષણ અને દરેક હકીકતને, વાતોને, તેના સ્વરૂપને આદિથી અંત સુધી સ્ટેજમાં જાણી લે તેવા કુશળ હતા. તેમની આંખમાં મૃદુતાની ચમક હતી. મુખાકૃતિ પર જ્ઞાનની તેજસ્વિતા પથરાયેલી દેખાતી. તેઓ બાળ સુલભ રમતગમતના શોખીન ન હતા પરંતુ સંસાર રમતની સોગઠા બાજી ઉપાડી લેવાની ઈચ્છાવાળા હતા. વાણીને અમૃતરૂપ રાખી શકતા. હૃદયમાં ગાંભીર્યતાની ઝલક હતી. ઉંમરમાં લઘુ છતાં વિચારોમાં પ્રૌઢતા, દક્ષતા હતી. સ્વભાવે સરળ છતાં દઢ મનોબળવાળા હતા. સત્યવાદી, નીતિમાન અને પરમાર્થના ટેકધારી હતા. મુખ પરનું લાવણ્ય પરમાત્મ-દર્શનનું રંગી-સંગી ભાસતું. તેમની સાથે મળનારને (અંબાલાલભાઈ જેવાને) પરમાર્થની મીઠી ગોષ્ઠી માણવી ગમતી. તેમની પાસે ભગવત્ કથા-ભક્તિનો નિર્દોષ આનંદ લેવા મુમુક્ષુ આત્માઓ ઉમંગી થતા.