________________
૪૨
શોધ-ખોળની પગદંડી પર પાલવંશના રાજા ધર્મપાલના કાયસ્થ (રાજલેખક) હતા એવી એક પરંપરા છે. સરહનો સમય આઠમી શતાબ્દીના ઉત્તરાર્ધ નક્કી કરાયો છે. ભોટ(તિબ્બત)માં સરહના દોહાને લગતી પરંપરા મારપા (૧૦૧૨-૧૦૯૭)થી શરૂ થયેલી. મારપા ભારતમાં મૈત્રીપા પાસે શીખેલા અને તેમણે મિલરસપાને આ પરંપરા આપેલી. અતીશ(૯૮૨-૧૦૫૪)ને પણ આ દોહાનું જ્ઞાન હોવાનું કહેવાયું છે. નારીપા(૧૦૧૬-૧૧૦૦) સરહના દોહાને ટાંકે છે એ હકીકતનું ઐતિહાસિક મહત્ત્વ છે.
સરહનો ધર્મોપદેશ રાહુલજીએ ‘દોહાકોશ'ની ભૂમિકામાં સરહની વિચારધારાનું જે સવિસ્તર નિરૂપણ કર્યુ છે (પૃ.૨૬-૩૯) તેને આધારે અતિસંક્ષેપમાં હું અહીં તેનો સ્પર્શ કરીશ. દોહાકોશ'નાં કેટલાંક પદ્યોનો અનુવાદ હું છેલ્લે રજૂ કરીશ, જેના પરથી સરહના ઉપદેશની ઝાંખી મળી રહેશે.
સરહ કેવળ બાહ્યાચારમાં સમાઈ જતા ધર્મપાલનની ટીકા કરે છે. નગ્નત્વ મુંડન, જપતપતીરથ, પૂજાવિધિ, યંત્રતંત્ર, ધ્યાનધારણા વગેરે તત્ત્વની ઓળખ વિના નિરર્થક છે. બાહ્યાચારનો આદર કરતા આચાર્યો છળપાખંડમાં રચ્યાપચ્યા રહે છે. જાતપાતના ભેદનો અને ભક્ષ્યાભર્યાના નિયમોનો તે વિરોધ કરે છે. સંન્યાસ લઈ વનવાસ લેવાનો કોઈ અર્થ નથી. બુદ્ધ પોતાના દેહની ભીતર જ વસે છે, તેને બહાર ખોળવાની જરૂર નથી. સંસાર અને નિર્વાણ વચ્ચે દષ્ટા અને દશ્ય વચ્ચે, ભાવ અને અભાવ વચ્ચે, ભોગ અને ત્યાગ વચ્ચે સદંતર વિરોધ કરવામાં તે માનતા નથી. ચિત્તની નિર્મળતા એ આધ્યાત્મિક જીવનનું પ્રથમ સોપાન છે.તેઓ સહજ જીવનનો ઉપદેશ દે છે. નિર્મળ મનથી. અનાસક્તિથી, નિસ્પૃહતાથી વિષયોનો ઉપભોગ કરનાર સહજાનંદનો અનુભવ કરે છે. ભેદબુદ્ધિવાળા ચિત્તનો લય થાય તે પછી જ પરમતત્ત્વ સાથે સમરસ થઈ શકાય. તત્ત્વાનુભવ તરફ ન લઈ જતાં ધ્યાન, યોગ, સમાધિ નિરર્થક છે. મનથી મુક્ત બનવું એ જ પરમ નિર્વાણ છે. ત્યારે જ શૂન્યતા, નૈરામ્ય પમાય છે. સાથે સાથે સરહ કરુણા ઉપર પણ ભાર મૂકે છે. રાહુલજીએ કહ્યું છે : “
તિબ્બત મેં અબ ભી પ્રચલિત પરંપરા કે અનુસાર સાત દોહાકોશ ઔર સિદ્ધચર્યા વજયાની યોગ કે પ્રેમિયોં કે વેદ માને જાતે હૈં, ઇનમે સરહપા, લુઈપા, વિરુપા, કણહપા, તિલોપા આદિ કે કોશ સમ્મિલિત છે. તિબ્બતી ભાષામેં સપ્તકોશ પર બહુત બડા સાહિત્ય હૈ જિસકે અધ્યયન સે સિદ્ધો કે વિચારો પર કાફી પ્રકાશ પડ સકતા હૈ ” (ભૂમિકા, પૃ.૧૮).