________________
૩૪
શોધ-ખોળની પગદંડી પર કરતાં હોવાનો ખ્યાલ, તથા પાત્રોના આધિદૈવિક-આધ્યાત્મિક અર્થઘટનો એ મૂળ કથાનક પરનું ઉત્તરકાલીન આરોપણ છે. માત્ર એટલું કહી શકાય કે કશીક નિયતિને વશ વર્તીને ઘટનાઓ બનતી રહેતી હોવાનું મૂળ કથાનકમાં અંગભૂત હોય.
(૫) “મહાભારત'ના કથાનકનું ઘટનાતંત્ર કેવળ ઐહિક, પરિચિત વ્યવહારજગતનું, “બુદ્ધિસંગત” નથી. એની કર્મભૂમિ સ્વર્ગ, મૃત્યુલોક અને પાતાલ એમ ત્રણેય લોક છે. દેવ, માનવ, દાનવ, નાગ, યક્ષ. અપ્સરા, વિદ્યાધર વગેરે કક્ષાનાં પાત્રો વચ્ચે એમાં સતત સંવ્યવહાર પ્રવર્તે છે અને કાળની દષ્ટિએ તેનો જન્મજન્માન્તરને આવરી લેતો પાપ છે. પૌરાણિક વિશ્વ અને એમાંની આસ્થામૂલક દૃષ્ટિ એ “મહાભારત'ના કથાનકના અંગભૂત છે.
(૬) જે ઘટનાઓ આપણને અત્યારે તર્કસંગત, આપણા પરિચિત જગત સાથે બંધબેસતી જણાય એને શબ્દશઃ લઈએ અને જે “ચમત્કારિક', “પૌરાણિક આસ્થાવાળી, બૌદ્ધિક દૃષ્ટિ સાથે અસંગત લાગે એનું રૂપકાત્મક કે આધ્યાત્મિક અર્થઘટન કરીએ– એવું બેવડું ધોરણ સ્વૈર, સગવડિયું હોવાનું ઉઘાડું છે એનું કોઈ નિયામક તંત્ર બતાવી શકાતું નથી. “વાસ્તવિક અને “કાલ્પનિક એવું આયાતી વિભાજન આપણી સમગ્ર સાંસ્કૃતિક પરંપરાને વિકૃત કરીને જ લાગુ પાડી શકાય. એ આપણી અર્વાચીન માનવકેદ્રી', બુદ્ધિવાદી, કેવળ ઐહિકતાવાદી દૃષ્ટિનું પરિણામ છે. પૌરાણિક જગત (અને પ્રાગર્વાચીન વ્યાવહારિક જગતની આસ્થાઓ પણ) આપણાથી તદન નિરાળાં હતાં.
દ્રૌપદીની પોતાની સંકલ્પના કે ભાવના વિશે સોનલે જે કહ્યું છે એ આપણે ટૂંકમાં જોઈએ : “બચપણથી આજ સુધી દ્રૌપદીએ મારા અંતરંગમાં વસવાટ કર્યો છે. વ્યાસના અને એ પછીના દ્રૌપદીના નિરૂપણમાં તેના જીવનની વેધક ક્ષણોને–સ્વયંવરમાં અર્જુનનું વરણ, કુંતાના વચનનું પાલન કરતાં આવી પડતું પંચપતિત્વ, કૌરવસભામાં વસ્ત્રહરણ : એમાં દ્રૌપદીની તીવ્ર, પ્રબળ લજ્જાશીલતા કે ગૌરવના, આત્મસંમાનના પ્રતિભાવને યોગ્ય વાચા નથી મળી. કૃષ્ણ સાથે તેના વિરલ મૈત્રીસંબંધને પણ કશું મહત્વ મળ્યું નથી. દ્રૌપદીના વ્યક્તિત્વનાં સેંકડો પરિમાણો છે. એમાં અતિમાનવીય તત્ત્વ છે. દ્રૌપદી વૈશ્વિક નારીત્વને પ્રતિબિંબિત કરે છે : સ્વાભિમાની, ગૌરવશીલ, ઉન્નત-મસ્તક, ઉદારચિત્ત, ધારદાર વાણી ધરાવતી અને લવલેશ સમાધાન ન સ્વીકારતી વૃત્તિવાળી. કૃષ્ણ સિવાય બીજું કોઈ – વ્યાસ, પાંડવો કે કૌરવો દ્રૌપદીની સંપૂર્ણ, સમગ્ર સત્તાને જાણી કે પામી શક્યું નથી. દ્રૌપદી એ પ્રકૃતિ છે. વિશ્વનું સર્જન અને સંહાર કરતું બળ છે. તે કાળ સાથે ખેલતી અને કાળનું ભક્ષણ કરતી કાળી છે. તે સાક્ષાત્ કર્મતત્ત્વ છે. તે પ્રત્યેક નારીનું રૂપ છે.