________________
શોધ-ખોળની પગદંડી પર
સીમર : શિનબરટક, સીમરિયા
::
૨૦૯
ચૌલુક્ય રાજા મૂલરાજે ઉત્ત૨માંથી બોલાવીને ગુજરાતમાં ઔદીચ્ય બ્રાહ્મણોને વસાવ્યાની પરંપરા છે. તેમાં હાલ જે વિવિધ સંપ્રદાયો છે, તેમાં સૌરાષ્ટ્રમાં તળાજિયા, શિહોરી, સાહસ્ત્રી, સીમડિયા વગેરે સંપ્રદાયો જાણીતા છે. તેમાંથી ભાવનગર જિલ્લાના મહુવા ગામમાં વસતા સીમડિયા કે સીમર ઔદીચ્યોની જ્ઞાતિના મંડળના પ્રમુખ હિંમતભાઇ પંડ્યાના જણાવ્યા પ્રમાણે ઊના તાલુકાના સીમર ગામે તેમના એક પૂર્વજે વિવાહનો અવસર મોટે પાયે ઊજવ્યો ત્યારથી અને કેટલાંક બીજાં કારણે તેમના અલગ સીમ૨/સીરિયા/સીડિયા સંપ્રદાયનો ઉદ્ભવ થયો એવી પંરપરા છે.
હવે હરિપ્રસાદ શાસ્ત્રીએ ‘મૈત્રીકકાલીન ગુજરાત’, ભાગ ૧ (૧૯૫૫), પૃ. ૧૭૮ ઉપર જણાવ્યા પ્રમાણે, વલભીના મૈત્રકવંશના રાજા ધ્રુવસેન બીજાના છઠ્ઠી સદીના એક તામ્રશાસનમાં ‘શિનબરટક-સ્થલી'નો ઉલ્લેખ છે. શાસ્ત્રી કહે છે કે ‘શિનબરટક-સ્થલીના મુખ્ય મથકનો સ્થળનિર્ણય થયો નથી, પણ એ સ્થલીમાં આવેલા સૌવર્ણકીય ગામના સ્થળનિર્ણય અનુસાર આ સ્થલી અમરેલીથી નજીક આવી હોવી
જોઇએ.'
મારી એવી અટકળ અને સૂચન છે કે ‘શિનબરટક’ એ તે વેળાના લોકપ્રચલિત નામસ્વરૂપ ‘સિનબરડ’નું સંસ્કૃત બનાવેલું રૂપ હોય. ‘સિનબરડ'માં ડકાર ઘણાં ગામનામોમાં મળે છે તે લઘુતાવાચક પ્રત્યય છે. મૂળ ‘સિનબર’ ઉપરથી ‘સિંબર’ અને પછી ‘સીમર’ એવું રૂપ બન્યું (‘લીંબડો' : ‘લીમડો' વગેરેની જેમ). એ સીમર ગામમાં સ્થપાયેલો ઔદીચ્ય બ્રાહ્મણોનો સંપ્રદાય તે સીમરિયા. આ અટકળ જો સાચી હોય— તો તેના પરથી બે તારણ નીકળે છે. એક, શિનબરટક-સ્થલીનો સ્થળ-નિર્ણય થઇ જાય છે. બીજું, સીમર ગામ ઇસવી પાંચમી-છઠ્ઠી શતાબ્દી જેટલું જૂનું છે.