________________
શોધ-ખોળની પગદંડી પર
૧૧૧ પણ એ જયહીં જયહીં રાધા ગોરી ત્યહીં વળી વળી વળતી છૂપે છુપાવી કેમ કરી બળી આંખડી પ્રેમ પ્રજળતી ?
અહીં કવિએ ગોપીવૃંદની વચ્ચે (સંભવતઃ રાસક્રીડાના પ્રસંગે) રહેલા કૃષ્ણની, વારે વારે રાધા ઉપર ઠરતી આંખોમાં વિશેષ ચમક પ્રગટતી હોવાનું કહ્યું છે.
આપણા એક લોકગીતમાં જુદા સંદર્ભમાં પણ કૃષણ રાધાને તેની બીજી સાહેલીઓ વચ્ચેથી ક્યા વિશેષ દ્વારા તારવી લે છે-ઓળખે છે તેની વાત આગવી રમણીયતાથી કૃષ્ણને મુખે જ કહેવાઈ છે, અને તે પણ રાધાના પ્રશ્નના ઉત્તર રૂપે. હરિલાલ મોઢા દ્વારા પ્રાપ્ત અને “ગુજરાતી લોકસાહિત્યમાળા' (છઠ્ઠો મણકો, પૃ.૪૨)માં પ્રકાશિત નીચેનું બરડાપંથકનું લોકગીત જુઓ :
ઊંચા ઓરડા ચણાવ (૨), જાળિયાં મેલ્યાં છે ઝીલતાં રે. રાધા રમવાને આવ (૨), સાવ સોનાનાં સોગઠાં રે. ઢાળ્યા સોનાના બાજોઠ (૨), પાસા ઢાળ્યા ઝીલતા રે. રમીએ આજુની રાત કાલુની રાત, પછી જાવું દરબારમાં રે. તેડી જાશે દિવાન (૨), પછી મોલમાં એકલાં રે. કાન એટલી સાહેલી | સરખી સાહેલી, કાન અમને કેમ ઓળખ્યાં રે. જાણે ડોલરનાં ફૂલ, જાણે ચંપાનો છોડ, જાણે મરચરકે કેવડો રે. જાણે તાંબાની હેલ્ય(૨), જાણે ઝબૂકે વીજળી રે.
લોકગીતોમાં અત્યંત સામાન્ય રીતે જોવા મળે છે તેમ, અહીં પણ સમકાલીન જીવનના જીવંત પ્રેમીઓની સાથે કૃષ્ણરાધાને જોડી દીધાં છે–શુદ્ધ પોરાણિક સંદર્ભ નથી. આગવી મહેકના અથવા તો આકૃતિ, લચક કે ચમકતી વર્ણની ઝાંયના સમાન ધર્મવાળી નિત્યના જીવનમાંથી ઉપમાઓ યોજીને “કૃષ્ણ' કયા આગવાપણાથી “રાધા'ને ઓળખી લે છે તેનું કથન કરતાં સાચો કવિ પ્રગટ્યો છે. ગોવિંદ કવિએ રાધાને જોઈને કૃષ્ણના નયનમાં ચમકી ઊઠતી વીજળીની વાત કરી છે, તો લોકકવિએ કૃષ્ણને રાધા ઝબૂકતી વીજળી જેવી દેખાતી હોવાની વાત કરી છે.
(૯) નાનપણમાં જપી અને તપીની વ્રતકથા સાંભળેલી. એક વાર થોડાક વરસ પહેલાં એક સુભાષિત સંગ્રહમાં ભાગ્યબળ પર એવા અર્થનું એક સુભાષિત નજરે પડ્યું કે “માણસ પર્વતશિખરે ચડે, સમુદ્ર ઓળંગે કે પાતાળમાં પેસે : વિદ્યાત્રીએ તેના કપાળમાં જે લખ્યું હોય તે જ ફળે, નહીં કે કોઈ ભૂપાળ' આમાં અધિક માસમાં નદીમાં જપી “ફળજો રાજા ભૂપાળ' એમ બોલતી બોલતી સ્નાન કરતી, જ્યારે તપી ‘ફળજો મારું કપાળ” એમ બોલતી બોલતી – એ હકીકત યાદ આવી ગઈ (‘લોકકથાનાં મૂળ અને કુળ', પૃ. ૧૦૪-૧૦૫).