________________
સતના બળે પ્રગટેલો આંબો પંદરમી શતાબ્દીમાં રચાયેલ શુભશીલગણિના ‘વિક્રમચરિત્ર'માં અગિયારમા સર્ગમાં વિક્રમરાજા સ્ત્રીચરિત્ર જાણવા ગયાનો પ્રસંગ રત્નમંજરીની કથામાં વર્ણવ્યો છે. તેમાં અંતે પોતાની રાણી મદનમંજરીના દુરાચારના સાક્ષી બનીને ખિન્ન થયેલા વિક્રમને કોચી કંદોયણ, પરપુરષની લાલસા સ્ત્રીઓને સ્વાભાવગત હોવાનાં ઉપદેશવચન કહે છે, અને તે પ્રસંગે “મહાભારત'માંના દ્રૌપદીના પ્રસંગની દષ્ટાંતરૂપે વાત કરે છે. સંપાદક ભગવાનદાસ હરખચંદ દોશીએ નોંધ્યું છે કે આ પ્રસંગને લગતો હસ્તપ્રતોમાં કેટલોક પાઠભેદ મળે છે. દ્રૌપદીએ ઉચ્ચારેલા શ્લોકોના પાઠ અને ક્રમ બાબત કેટલીક ભિન્નતા છે. આપણે સમન્વયદષ્ટિથી પાઠભેદને જોઈએ તો એ પ્રસંગ નીચે પ્રમાણે રજૂ કરી શકાય.
એક વાર યુધિષ્ઠિરે ગર્વપૂર્વક આક્યાશી હજાર ઋષિઓને કહ્યું કે તમે ઇચ્છો તે ભોજન હું આપું. તેનો ગર્વ ઉતારવા ઋષિઓએ માહમાસમાં કેરીના ભોજનની માગણી કરી. એટલે નારદે દુર્વાસા ઋષિને આ સંકટમાંથી બહાર નીકળવાનો ઉપાય પૂછીને તે યુધિષ્ઠિરને જણાવ્યો. ઉપાય એ હતો કે જો દ્રૌપદી પાંચ બાબત વિશે સત્યવાકય બોલે તો તેના સત્યવાદને પ્રભાવે અકાળે આંબો ફળે. એ પાંચ બાબતો આ પ્રમાણે હતી : (૧) પાંચ પતિથી દ્રૌપદી સંતુષ્ટ છે ? (૨) તે સતી છે ? (૩) તેનો પરપુરુષ સાથેનો સંબંધ શુદ્ધ છે? (૪) તેનો પતિ પ્રત્યે પ્રેમ છે? (૫) તેને આત્મસંતોષ છે? દ્રૌપદીએ ઋષિઓનું તર્પણ કરવા માટે એ બાબતો વિશે સત્ય બોલવાનું સ્વીકાર્યું. રાજસભામાં સાંબેલું રોપવામાં આવ્યું.
સભા સમક્ષ દ્રૌપદીએ નારદને સંબોધતાં પહેલી બાબત પરત્વે સત્યવચન આ પ્રમાણે ઉચ્ચાર્યું. : “પાંચેય વીર, સ્વરૂપવાન પાંડવો મને વહાલા છે, તો પણ હે નારદ ! છઠ્ઠા પુરુષનો સંગ મારું મન ઝંખે છે.”
આ શ્લોક ઉચ્ચારતાં જ સભામાં ખોડેલા સાંબેલાનું આંબાના થડમાં રૂપાંતર થઈ ગયું.
તે પછી દ્રૌપદીએ બીજી બાબત પરત્વે સત્યવચન આ પ્રમાણે ઉચ્ચાર્યું : “એકાંતનો અભાવ હોય,તકનો અભાવ હોય, અને કામુક પુરુષનો અભાવ હોય - તેટલા પૂરતી જ, હે નારદ ! સ્ત્રી સતી રહે છે.'
આ વચન ઉચ્ચારાયું, એટલે પેલા થડને પાન ફૂટ્યાં.
તે પછી ત્રીજું સત્યવચન આ પ્રમાણે કહ્યું : “સુંદર નરને જોઈને–પછી તે ભાઈ હોય, પિતા હોય કે પુત્ર હોય–સ્ત્રીની યોનિ ભીની થાય છે.”