________________
આ. શ્રી અભયશેખર વિ., પંન્યાસ અજીતશેખર વિ., પંન્યાસ રશ્મિરત્ન વિ., ગણિ મેઘદર્શન વિ., મુનિરાજ ઉદયવલ્લભ વિ., મુનિરાજ યશોવિજય, મુનિ રત્નવલ્લભ વિ. વિગેરે અનેક વિદ્વાન્ સંયમીઓએ ન્યાયાદિનો અભ્યાસ કર્યો અને કરાવ્યો. ઘણા કપરા ગ્રન્થો વિવેચનાદિ સહિત પ્રકાશિત કરી શ્રમણસંઘ ઉપર પુષ્કળ ઉપકાર કર્યો. મારી જાણમાં ન હોય એવા બીજા પણ અનેક સંયમીઓએ આ ક્ષેત્રમાં સિંહફાળો નોંધાવ્યો જ હશે. એ સર્વેની ખૂબ ખૂબ અનુમોદના.
કેટલીક સૂચનાઓ :
(૧)સંયમીઓ ન્યાય ભણીને તીક્ષ્ણ બનેલી બુદ્ધિનો દુરુપયોગ ન કરે એ ખૂબ આવશ્યક છે. ગુરુજનો, વડીલો વિગેરે પ્રત્યેનો સમર્પણ ભાવ, વિદ્વાન્ બનનારા સંયમીઓમાં વધતો જ જવો જોઈએ. સહવર્તિઓ સાથેનું વાત્સલ્ય, ઉદારતા વધવી જ જોઈએ. પરદોષદર્શનને બદલે પરગુણ દર્શન વધવું જોઈએ. સહવર્તિઓના દોષો-ભુલોને માફી આપવાની, ભુલી જવાની વિશિષ્ટ શુદ્ધિ વધવી જોઈએ.
એટલે આ અજૈન ન્યાય ગ્રન્થો ભણનાર સંયમીઓ આ વિષયમાં અત્યંત સજાગ રહે એવું ખાસ સૂચન છે.
(૨) ન્યાયગ્રન્થો મુખ્ય નથી જ. મુખ્ય તો આપણા મહાપુરુષોએ રચેલા આત્મોત્થાન કરનારા શાસ્ત્રો છે. એનું પરિશીલન કરવા માટે જ આ ન્યાયગ્રન્થો છે. એટલે નજર સામે જૈન શાસ્ત્રાભ્યાસને રાખીને એના સાધન તરીકે જ આ ન્યાયગ્રન્થોનો અભ્યાસ કરવો.
ન્યાયગ્રન્થોનો ખૂબ જ ઉંડાણપૂર્વક અભ્યાસ થાય અને જૈનશાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ ન થાય, તો એ ઉચિત લાગતું નથી. રસોઈ બનાવવાની છે ભોજન કરવા માટે. પરંતુ રસોઈ કરવાની સખત મહેનત કર્યા બાદ, રસોઈ બની ગયા બાદ ભોજન જ જો ન કરવામાં આવે તો એ રસોઈ કર્યાનો અર્થ શો ? એટલે જૈન શાસ્ત્રાભ્યાસનું લક્ષ્ય બરાબર બાંધીને જ આ ગ્રન્થોનો અભ્યાસ કરવો.
(૩) આ કાળમાં એવું જોવા મળે છે કે ૮-૧૦ વર્ષે તો લગભગ ઘણા સંયમીઓ વ્યાખ્યાન વિગેરે પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય છે. પછી શાસ્ત્રાભ્યાસ કરવો લગભગ દુષ્કર બની જાય છે. બાહ્યપ્રવૃત્તિઓ સાથે સખત શાસ્ત્રાભ્યાસ ચાલુ રાખનારા સંયમીઓ ઘણા ઓછા દેખાય છે. એટલે મધ્યમ ક્ષયોપશમવાળા સંયમીઓ મુક્તાવલિ, વ્યાપ્તિપંચક અને સિદ્ધાન્તલક્ષણ... આ ત્રણ ન્યાયગ્રન્થો ભણે તો ચાલે. તીવ્ર ક્ષયોપશમવાળાઓ વધારે ન્યાય પણ ભણે.
આ અંગે અનેક અભિપ્રાયો સંભવી શકે છે. દરેક સંયમીઓએ પોતાના ગુરુજનોની ઈચ્છાને અનુસરવું.
(૪) આ ગ્રન્થમાં ક્ષતિ ન રહે એની ઘણી મહેનત કરી છે. છતાં છદ્મસ્થતાને કારણે કોઈક ભુલો રહી ગઈ હોય તો અંતઃકરણથી ક્ષમાયાચના કરીએ છીએ.
–પં. ચન્દ્રશેખરવિજય