________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ. શ્રી અંબાલાલભાઈ
વિચારી એવા ગુણો અને પ્રભુબોધને અનુસરવાની શક્તિ - ભક્તિ અને આકાંક્ષા આપણને રહો, એ જ પ્રભુના યોગબળ પાસે પ્રાર્થના.
- પૂજ્ય શ્રી અંબાલાલભાઈના પ્રેમલક્ષણારૂપ ભક્તિના પ્રસંગો, જીવનચર્યાનું ચિંતન એ ભક્તિ માર્ગના પ્રવાસીને એક દીવાદાંડીરૂપ બની શકે, એ ભાવનાથી આ સંકલન થયું છે, જે સ્વપરા હિતકારી થાઓ, એ જ પરમકૃપાળુની કૃપાદ્રષ્ટિ કે આશિષ માંગીએ છીએ.
પૂ. શ્રી અંબાલાલભાઈને પરમકૃપાળુદેવમાં પરમાત્મપણાના દર્શન થયાં અને પત્રવ્યવહાર શરૂ કર્યો ત્યારે તેઓશ્રી પોતાની સત્સંગ વિરહવ્યાકુળતા અને તૃષા-યાચના જ તેમાં દર્શાવતા. એમાં પોતાના સ્કૂલનો, પોતાની આધ્યાત્મિક પ્રગતિની મંદતા, અનુગ્રહ યાચના, સ્વદોષ કથન વગેરે એટલા નિખાલસતાથી જણાવતા કે પરમકૃપાળુદેવની કરુણા તેમના પ્રતિ ઊભરાયા વિના રહે જ નહીં. પત્રોના ઉત્તર મળતાં તેમના પ્રત્યે કેવો નિર્મળ કરુણાસભર પ્રેમ વ્યક્ત થતો તે આ સંસ્થા દ્વારા અગાઉ પ્રકાશન કરવામાં આવેલ ‘સત્સંગ સંજીવની' પુસ્તકમાંથી વાંચવા મળશે.
- તેઓશ્રીના ભક્ત જીવનમાંથી ઘણું સમજવાનું અને આલેખવાનું બાકી રહી જાય છે. યોગ્યતા એવી નહીં હોવાથી બુદ્ધિગમ્ય થયું તેટલું પરિચય પ્રસંગોનાં આધારે સ્થૂળરૂપે ગુણ સ્મૃતિ કરી છે.
અમારી મતિની મંદતાથી ઘણી ક્ષતિ આવવા યોગ્ય છે, જેથી વાચક વર્ગ ક્ષમા કરે એવી વિનંતી છે.
આ નાનકડી છતાં પ્રેરણારૂપ પુસ્તિકાનું શુભનામ પૂજ્ય શ્રી મહારાજ સાહેબે ‘આત્મનિષ્ઠ ધ્રુવ તારો” આપેલ છે તે ખૂબ જ યથાર્થ છે. પૂજય શ્રી અંબાલાલભાઈએ એકનિષ્ઠ ધ્રુવ તારાની માફક પ્રેરણારૂપ બની જિજ્ઞાસુ મુમુક્ષુ જીવોને આત્માની શુદ્ધિ અર્થે યોગ્ય માર્ગદર્શન આપેલ છે. ભગવાન પરમકૃપાળુદેવશ્રીની પરમકૃપાથી જેઓને સમ્યક્દર્શનની પ્રાપ્તિ થયેલ, તે પવિત્ર આત્માને - મોક્ષગામી આત્માને નમસ્કાર હો ! નમસ્કાર હો !
આવા પવિત્ર આત્માના જીવન-કવન સંબંધી અગાઉ “શ્રી રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ?” નામનો શુભ ગ્રંથ આ સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલ છે, તેમાં ઘણી વિગતો પ્રેરણા લેવા લાયક પૂ. શ્રી અંબાલાલભાઈનાં જીવન સંબંધી આલેખવામાં આવી ગયેલ છે, જેને શ્રી મુમુક્ષુઓ તરફથી સારો આવકાર મળ્યો છે. હવે તે સિવાય બાકીના નવા પ્રસંગો પૂજય શ્રી અંબાલાલભાઈના જીવનના આ પુસ્તિકામાં સમાવેશ કરેલ છે, જે મુમુક્ષુઓને માર્ગદર્શક પ્રેરણારૂપ થાઓ તેવી શુભાભિલાષા સાથે પ્રભુ પ્રાર્થના.
આ તમામ સાહિત્યનું સંકલન-સંશોધન કરવામાં પૂ. શ્રી ભાવપ્રભાશ્રીજી મહારાજ સાહેબનો અત્યંત શ્રમ સમાયેલો છે. નાદુરસ્ત તબિયત હોવા છતાં માનસિક શારીરિક પરિશ્રમ લઈ મુમુક્ષુઓનાં આત્મકલ્યાણને અર્થે અને પૂ. શ્રી અંબાલાલભાઈના જે પારમાર્થિક ઉપકારો છે તેને સંભારી જે જે પ્રસંગો તે તે વખતે અસ્તિત્વમાં આવેલ છે તે પ્રસંગો જીવના આત્મોપકાર અર્થે આ પુસ્તિકામાં પૂ. શ્રી એ આવરી લીધેલ છે.