________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ
પૂજ્ય ભાઈશ્રી પોપટલાલભાઈ, પૂજય સુખલાલભાઈ, પૂજય કુંવરજીભાઈ વિગેરેને તેમના વિયોગથી ઘણું જ દુઃખ લાગ્યું હતું અને તેમની સત્સંગ સહાયતાને સંભારી ખેદ કરતા હતા કે, અરે ! પ્રભુના પંથને અજવાળતો એ ધ્રુવ તારો શું અસ્ત થયો ! બસ ! તેણે વિદાય લઈ લીધી ! ખરે, આપણાથી દૂર જતો રહ્યો? કઈ ધરતીને પ્રકાશવા ચાલ્યો ? હે બંધુ ! શું અમારો સાથ તમને ન ગમ્યો? જેથી અલ્પવયે ઉતાવળ કરી ! શું અમારા ભાગ્યની ખામી થઈ પડી ? હવે અમને કૃપાનાથની મહાભ્ય કથા કોણ કરશે ? સત્સંગમાં મીઠી વાણીથી હૃદયને ઠંડક કોણ આપશે ? ખંભાતવાસી અમો સર્વેને તમે પરમાત્મા સાથે અનુસંધાન કરી આપ્યું. માર્ગ ચિંધવા અમારી પડખે ઊભા રહ્યા. તમે તો અખંડવૃત્તિથી પ્રભુસેવામાં જિંદગી અર્પણ કરી. વળી ભવે ભવે એનું જ દાસત્વ કરવાનું ભીખવ્રત પાળવા નક્કી કર્યું લાગે છે, એટલે અમને કલ્પનામાંય ન હતું, અથવા એવું સ્વપ્ન પણ જાણ્યું ન હતું કે આમ સાવ અજાણ રાખી ફક્ત ચાર જ દિવસની માંદગીમાં ઓચિંતા ચાલ્યા જશો. ચાર-પાંચ દિવસ અગાઉ તો રાતના સ્વાધ્યાયમાં શ્રી રાજવાણીની ભક્તિ કરતાં-કરાવતાં હૃદયમાં પ્રેમાનંદ ઉપજાવતા હતા - તે હાથતાળી દઈને ચાલ્યા ગયા એ શું યોગ્ય કર્યું છે ? ભલે, તમે તો છોડી ગયા પણ અમે તો તમારા અનેક ઉપકારોને સંભારતાં તમારી સાથે જ રહીશું. સાથે જ ભક્તિ કરીશું. તમારા સાથ સહકારથી મળેલ અમૂલ્ય ભેટ – શ્રી વચનામૃતો - શ્રી આત્મસિદ્ધિજી, ઉપદેશ છાયા, વિગેરેના અવલંબને જીવીશું.'
‘પંચમકાળના પ્રભાવે અમને તમારી ખોટ પડી. તમે અમને અમૂલ્ય વસ્તુ - રત્નત્રય આપી ગયા છો. આવા વિરલ, ચોથા કાળે મોંઘા, પરમ મુમુક્ષુ, સખા, દીનના બેલી એવા અમને મોટાભાગ્યથી મળ્યા, તે પરમાત્માની કૃપા. અમે તમારા ઉપકારને નમસ્કાર કરીએ છીએ. તમે જયાં હો – “સુખ ધામ”માં ત્યાંથી અમારા તરફ કૃપા કિરણો ફેંકતા રહેશો એવી આશા રાખીએ છીએ અને આ ગુણાનુવાદરૂપ સ્મરણાંજલી આપના સમીપમાં બે હાથ જોડી અર્પીએ છીએ.”
આવા ગણનાયક ભક્તનો મુમુક્ષુ પ્રત્યેનો ઉપકાર તે કંઈ લૌકિક નથી. વ્યવહારમાં માબાપનો મોટો ઉપકાર ગણાય તે દેહને લઈને, જ્યારે શ્રી સદ્દગુરૂના સત્ શિષ્ય કે આશ્રિતનો ઉપકાર લોકોત્તર છે, આત્મહિતાર્થે છે, જે ભવાંતરે પણ ભૂલાતો નથી. સ્મરણ થતાં અહોભાવ વેદાય છે. એ ભક્તજન નજરમાં હાજર હોય ત્યારે પરમાત્માની સ્મૃતિ અખંડ રખાવે છે અને વિયોગમાં પણ સંભાળ લઈ માયાની સંગતિથી બચાવે છે. ભગવાન પ્રત્યેની પ્રીતિ તાજી રખાવે છે. એવો વિશેષ ઉપકાર કરતા હોવાથી અપેક્ષાએ તેનો બદલો વાળી શકાતો નથી એટલે આપણે તેમના અદ્ભુત ગુણોને સંભારી, પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી માંગીએ -
‘સહજાત્મ સ્વરૂપ સુણો વિનંતી રે, હું તો વિનવું વિનયે દિનરાત મારા નાથ, મને દીજે અખંડ ઉપાસના રે, સદ્ગુરુ સત્સંગનો સાથ મારા નાથ, વળી રત્નત્રયની દીજે ઐક્યતા રે, હું તો માંગુ ચરણ ધરી માથે મારા નાથ.'
- સંત ચરણરજ ભાવપ્રભાશ્રી |
૧૯