________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પૂ.શ્રી અંબાલાલભાઈ શુધ્ધ શ્રધ્ધા-ધી૨જ-આત્મસ્મરણ-આત્મસમાધિ સર્વે સાધક-મુમુક્ષુ જીવોએ નિરંતર સંભારવા યોગ્ય છે. પૂ. અંબાલાલભાઈનો પત્રામૃત્ર બોધ :
(૧) “જે ચિત્ત અનાદિના અભ્યાસમાં જોડાયેલું રહે છે તે ચિત્તને પરમાત્માના નામસ્મરણમાં જોડેલું રાખવાથી તે ચિત્ત અપરાધ કરતાં અટકે છે, પાપ અને કષાયનું ચિંતન કરતાં અટકે છે. સર્વ સુખનો પરમોત્કૃષ્ટ ઉપાય એ જ સહેલામાં સહેલો છે. જે ચિત્ત નકામી માથાકુટ કર્યા કરે છે, લૌકિક ભાવોમાં પડી રહે છે, તે ચિત્તને શુધ્ધ કરવામાં - પાપનો નાશ કરવામાં, પરમાત્માનું નામસ્મરણ એ કેવો મજેનો ઉપાય છે !’’
(૨) “મહત્ પુણ્યનો યોગ થાય ત્યારે સત્પુરુષ મળે અને “હું” પણું ભેગું ભેળવી દે એટલે હું તો આત્મા છું અને સત્પુરુષ તે રૂપ છે એટલે હું તો જગતમાં છું જ નહીં, એક સત્પુરુષ જ છે. એમ કરવાથી જે ભૂલ પોતાની છે તે મટે છે. એટલે એ સત્પુરુષ સિવાય બીજું કંઈ છે જ નહીં. એ મારાપણાનું અભિમાન ભૂલી જવું અને એ સત્પુરુષને મુખ્ય ગણવા. તેને લઈને જ આ બધું છે, તેના સિવાય બીજું કંઈ છે જ નહીં.'
(૩) “સત્પુરુષના વચન પર વિશ્વાસ રાખવો અને તે વિશ્વાસનું બળ રાખી મંદવીર્ય થવા દેવું નહીં. તેની સાથે પોતાના દોષ જોવાનો લક્ષ ચૂકવો નહીં. કોઈ પૂછે તો જવાબ ઢીલો આપવો નહીં. મજબૂત જવાબ આપ્યો હશે તો ફરી કોઈ વખત આપણી ભૂલ થાય તો શરમાઈને પાછું વળવાનું થશે, કારણ કે આગળ વિશ્વાસ મજબુત કર્યો છે તેને લઈને સુધરવાનું બનશે.”
કેવો ઉત્તમ અને ગહન-ગંભીર બોધ પૂ. શ્રી અંબાલાલભાઈએ આપણને આપ્યો છે ! ‘કર વિચાર તો પામ.’
પરમ કૃપાળુદેવના માર્ગમાં જીવન અર્પણ કરનાર પૂજ્ય સાધ્વીજી ભાવપ્રભાજીએ આ ગ્રન્થના સંકલન-સંપાદનમાં અનન્ય ભાવે ઘણી મહેનત કરી છે. થોડાં વર્ષો પૂર્વે પણ તેઓશ્રીના પ્રેમ-પ્રરિશ્રમથી “સત્સંગ સંજીવની’’ તેમજ ‘વડવાનો પ્રાણ’ આ બે ગ્રંથો પ્રકાશિત થયેલ, જે મુમુક્ષુઓને ખૂબજ ઉપકારી સિધ્ધ થયેલ. આ લઘુગ્રંથ પણ મુમુક્ષુ જીવોને આત્મહિતમાં અવશ્ય સહાયક થશે, એમ આ લેખકનું માનવું છે. કૃપાળુદેવના અને પૂ. અંબાલાલભાઈના જીવનના કેટલાક પ્રસંગો તેમાંથી જ્ઞાત થશે. પૂજ્ય સાધ્વીજી મહારાજના હસ્તે આવા સુંદર ગ્રંથો પ્રકાશિત થતાં રહે તેવી પરમકૃપાળુદેવના યોગબળ આગળ પ્રયાચના ! સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
‘હે પરમકૃપાળુદેવ ! તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ હો.' આવી અંતઃસ્તલની પ્રાર્થના સાથે આ લેખનીને વિરામ આપું છું, કેમકે મહાપુરુષોના ગુણોને-જીવનને-વચનને પૂર્ણપણે લખી શકવા માટે આપણે અસમર્થ છીએ. વીતરાગ પુરુષોની ચરણરજ નિરંતર મસ્તકે રહો ! સંતચરણરજ, આત્માર્થી પ્રકાશ ડી. શાહ, અમદાવાદના
જયપ્રભુ, શુદ્ધાત્મ વંદન.
११