________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ
જેમ પ્રતિક્ષણે પ્રગટ થતા પર્યાયો અનુભવાય છે દેખાય છે અને સત્ય તરીકે તમે સ્વીકારો છો. તેમ તે પર્યાયોના આધારભૂત મૂલદ્રવ્ય પણ સ્વીકારવું જ જોઈએ અને સંસારમાં સર્વે પણ જીવોને આવો જ અનુભવ થાય છે. માટે સત્ય હકિકતને છુપાવવી જોઈએ નહીં.
૫૬
અહીં બૌદ્ધ આવો પ્રશ્ન કદાચ કરે કે પ્રતિસમયાત્મક અનેક ક્ષણોમાં એક દ્રવ્યનો જે અનુભવ થાય છે તે સવિકલ્પજ્ઞાનમાં થાય છે જેમકે બાલ્યાવસ્થા-યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા રૂપ ભિન્ન ભિન્ન પર્યાયોમાં “આ તે જ દેવદત્ત છે. આ તે જ દેવદત્ત છે.” આવા પ્રકારનો જે અનુભવ થાય છે તે જ સવિકલ્પકજ્ઞાન છે. આમ બાલ્યાદિ વિકલ્પવાળી અવસ્થાઓમાં આ જ્ઞાન જ્યારે થાય છે ત્યારે તે સવિકલ્પકજ્ઞાન થાય
છે.
પરંતુ આ સવિકલ્પજ્ઞાન પ્રમાણ નથી. કારણ કે વિકલ્પો કૃત્રિમ છે, નાશવંત છે, મોહજન્ય છે અને મોહજનક છે. તેથી પરમાર્થે નિર્વિકલ્પકજ્ઞાન જ પ્રમાણભૂત છે. આ કારણે પ્રતિક્ષણે જણાતા ભિન્ન ભિન્ન વિકલ્પવાળા ભાવો કાલ્પનિક છે. મોહજનક છે. તેથી તેમાં થતી એકત્વની બુદ્ધિ પણ કાલ્પનિક જ છે. એટલે કે મિથ્યા છે. માટે નિર્વિકલ્પક જ્ઞાન જ પ્રમાણભૂત છે સવિકલ્પક જ્ઞાન અપ્રમાણ છે. પ્રતિક્ષણે થતા પર્યાયો જ સાચા છે. તેમાં એકત્વબુદ્ધિ કરાવનારું દ્રવ્યનું જ્ઞાન મિથ્યા છે. આમ બૌદ્ધનું કહેવું છે.
સિદ્ધિ વિનિશ્ચય નામના ગ્રન્થની ટીકામાં કહ્યું છે કે “જે નિર્વિકલ્પજ્ઞાન સવિકલ્પકજ્ઞાનને ઉત્પન્ન કરે છે તે જ નિર્વિકલ્પજ્ઞાનની પ્રમાણતા જાણવી. પરંતુ જે નિર્વિકલ્પ જ્ઞાન નિર્વિકલ્પરૂપ જ રહે, સવિકલ્પક જ્ઞાનને ઉત્પન્ન ન કરે તે નિર્વિકલ્પકજ્ઞાન પ્રમાણરૂપ બનતું
નથી.