________________
પ્રસ્તાવના
આ આત્મા અનાદિકાળથી અનેક દોષોથી ભરેલો છે. મિથ્યાર્દષ્ટિ હોવાના કારણે ગુણો પણ દોષોનું જ કામ કરનાર બને છે. સમ્યક્ત્વની પ્રાપ્તિથી ગુણોની શરૂઆત થાય છે. સમ્યક્ત્વગુણ આવ્યો હોય તો જ જ્ઞાન-દર્શન-ચારિત્ર-વિનય-વૈયાવચ્ચ-તપ ઈત્યાદિ ગુણો કર્મોની નિર્જરા કરાવનાર બને છે. જેથી આ આત્માની શોભા વધે છે અને જો સમ્યક્ત્વ ગુણ ન પ્રગટ્યો હોય તો આ જ ગુણો કર્મોની નિર્જરા કરાવતા નથી, પરંતુ અહંકાર અને મમકાર વધવાથી આ આત્માનું અહિત (અકલ્યાણ) કરનાર બને છે. આ કારણે જ સર્વગુણોમાં મૂલભૂત પ્રથમગુણ સમ્યક્ત્વગુણ છે. સમ્યક્ત્વ એકડાતુલ્ય છે અને બાકીના ગુણો મીંડાતુલ્ય છે. એકડો હોય તો મીંડાની પણ ઘણી કિંમત છે, તેના વિના મીંડાની કશી જ કિંમત નથી.
આ આત્મામાં આ સમ્યક્ત્વગુણ પ્રગટ્યો છે. તેની નિશાનીરૂપે ૬૦ બોલો જૈનદર્શનમાં આવે છે. તે ૬૭ બોલોને સમજાવતી “શ્રી સમ્યક્ત્વના ૬૭ બોલની સજ્ઝાય” પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ જ બનાવી છે જે સજ્ઝાય જુદા જુદા રાગયુક્ત ૧૨ ઢાળવાળી બનાવી છે. આ ૬૭ બોલમાં છેલ્લા જે ૬૨ થી ૬૭ માં છ બોલ આવે છે તે સમ્યક્ત્વનાં ૬ સ્થાન કહેવાય છે તે છ બોલને જ વધારે વધારે વિસ્તારથી સમજાવવા માટે ચઉપ્પઈના રાગમાં તે જ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ આ ચઉપ્પઈ બનાવી છે. તેથી જ આ શાસ્ત્રનું નામ “શ્રી સમ્યક્ત્વ ષસ્થાન ચઉપ્પઈ” રાખવામાં આવ્યું છે.