________________
૩૫૪
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ તેનું લક્ષ્ય રાખીને શ્રોતાનું હિત થાય તેવી ધર્મદેશના ગુરુજી આપે છે. પરંતુ “સર્વ ધર્મ સમાન છે” આમ કહીને શ્રોતાવર્ગને અન્ય માર્ગમાં જતા કરીને ચિત્તમાં ભ્રમ થાય તેવી દેશના આપતા નથી. પરંતુ પોતાના દર્શનમાં (જૈનદર્શનમાં) આવ્યા હોય અને તેની સૂક્ષ્મ વિચારણા ન કરવાના કારણે જે તત્ત્વ ન સમજાયું હોય તે સમજાવીને ભ્રમ દૂર કરીને સાચા તત્ત્વના પક્ષપાતી બનાવે છે અને આત્મહિત કરનારા બને તેવી કુશળબુદ્ધિવાળા શિષ્યો ગુરુજી બનાવે છે.
સર્વે પણ જીવો ઉપર કરૂણાવાળા અને પરોપકારપરાયણ જીવો બને તેવી ધર્મદેશના ગુરુજી આપે છે. ગુરુજી સમતાભાવની પરિણતિ અને સર્વ નયોનું જ્ઞાન ધરાવતા હોવાથી બીજાનું હિત કેમ થાય ? તેનું જ લક્ષ્યમાં રાખીને ગંભીરતાના ગુણપૂર્વક પ્રવૃત્તિ કરે છે. અજાણતાં પણ પોતાના હાથે કોઈનું પણ અહિત ન થઈ જાય તેની પુરેપુરી કાળજી રાખે છે.
હવે આ ત્રણ જ્ઞાનો (૧) શ્રુતજ્ઞાન (૨) ચિંતાજ્ઞાન અને (૩) ભાવજ્ઞાન કેવાં છે ? તે એક દૃષ્ટાન્ત આપીને સમજાવે છે (૧) પાણી જેવું (૨) દૂધ જેવું અને (૩) અમૃત જેવું આવી ઉપમાવાળામાં આ જ્ઞાનો છે તે આ પ્રમાણે છે.
(૧) શ્રુતજ્ઞાન=સ્વચ્છ સ્વાદિષ્ટ પાણી જેવું છે. આવું પાણી પીવાથી જેમ તૃષા મટે છે તેમ શ્રુતજ્ઞાનથી જીવને તત્ત્વ સમજાય છે અને તત્ત્વ સમજ્યાનો આનંદ થાય છે તત્ત્વ સમજવાની તૃષા શાન્ત થઈ.
(૨) ચિંતાજ્ઞાન=દૂધ જેવું છે. દૂધનું પાન કરવાથી તૃષા અને ક્ષુધા બન્ને દૂર થાય છે અને શરીરની પણ પુષ્ટિ થાય છે તેમ ચિંતાજ્ઞાનથી નયસાપેક્ષ દૃષ્ટિ ખુલવાથી અતિશય આનંદ થાય છે અને આ જીવ મધ્યસ્થ બુદ્ધિવાળો થાય છે તથા પોતાના આત્માનું હિત કેમ થાય ? તેનો ઉઘાડ થાય છે.