________________
સમ્યક્તનાં પાંચમા સ્થાનનું વર્ણન
૨૦૧ સંસાર જીવો વિનાનો ખાલી થયેલો હોવો જોઈએ. પરંતુ આમ બનતું નથી. માટે મોક્ષ છે આ વાત જ બરાબર નથી. આમ વાદીનું કહેવું છે.
તથા આ બાબતમાં કિરણાવલિકાર જે આમ કહે છે કે કાળ પણ અનંત છે અને જીવો પણ અનંત છે. પરંતુ કાળના અનંતપણા કરતાં જીવોનું અનંતપણું ઘણું મોટું છે. માટે સંસાર ખાલી થયેલો દેખાતો નથી. પરંતુ કિરણાવલિકારની “આ કલ્પના પણ તો ઘટી શકે જો કાળના અનંતપણા કરતાં જીવનું અનંતપણું ઘણું મોટું હોય તો.” પરંતુ આ વિષય પણ કલ્પનામાત્ર જ કરે છે. કારણ કે શું ખાત્રી કે જીવનું અનંતપણું ઘણું મોટું હશે? કે કાળનું અનંતપણું મોટું હશે? કાળ પણ સદાકાળથી ચાલ્યો જ આવે છે તેથી કાળ કરતાં જીવનું અનંતપણું મોટું છે. આવી કલ્પના કરવી તે કલ્પનામાત્ર જ છે. | ભાવાર્થ એવો છે કે “મોક્ષ છે” આ વાત પ્રથમ સ્વીકારી લીધા પછી દરેક કાળમાં જીવોનો મોક્ષ થાય છે. તેથી કાળ અનંત ગયેલો હોવાથી સંસાર પણ ખાલી થયેલો હોવો જોઈએ. પરંતુ આ સંસાર જીવોથી ભરેલો છે તેનો અર્થ જ એ છે કે મોક્ષ છે જ નહીં. કોઈ મોક્ષે જતું જ નથી આમ જ માનવું વ્યાજબી છે.
આ બાબતમાં કાળનું અનંતુ નાનું છે અને જીવોનું અનંતુ મોટું છે. કારણ કે જીવો પ્રત્યક્ષ દેખાય છે ઈત્યાદિ કિરણાવલિકાર જે કલ્પના કરે છે તે કલ્પનામાત્ર જ છે. સાચું નથી. કારણ કે કાળ પણ અનંતાઅનંતકાળથી ચાલ્યો જ આવે છે. યુગે યુગે એક એક જીવ મોક્ષે જાય આમ માનીએ તો પણ સંસાર ખાલી થઈ જ જવો જોઈએ. માટે કાળનું અનંતપણું નાનું છે અને જીવોનું અનંતપણું મોટું છે આવી કિરણાવલિકારની માન્યતા એ પણ બુદ્ધિની કલ્પનામાત્ર જ છે. સાચી વાત નથી. બને અનંત હોવા છતાં આ નાનું અને આ મોટું આમ કહેવું તે નિરર્થક બુદ્ધિના ઘોડા જ દોડાવવાના છે, યથાર્થ નથી.