________________
સમ્યક્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન
૧૯૯
અનુભવ થતો નથી. એટલે કે દુઃખાભવ જ હોય છે. તો પણ કોઈ પંડિત પુરુષ તેવા દુઃખાભાવને(મૂર્છિત દશાને) પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા નથી. ઉલટુ-મૂર્છિતદશા હોય તો તે જીવને ભાનમાં લાવવાનો જ પ્રયત્ન કરાય છે. માટે મૂર્છિત દશારૂપ મુક્તિ માનવી અને તેમાં દુઃખાભવ છે આવું માનીને સંતોષ માનવો આ વાત પણ ઉચિત નથી.
મૂચ્છિત દશામાં દુઃખાભાવ હોવા છતાં કોઈ પંડિત પુરુષ પોતાના આત્માને કે પોતાના સ્નેહીના આત્માને મૂર્છિત રાખવા પ્રયત્ન કરતો નથી. માટે દુઃખાભાવ એ જ મોક્ષ છે આમ માનવું અને આમ કહેવું તે ઉચિત નથી, સત્ય નથી.
એટલે સારાંશ એ છે કે દુઃખાભાવ માત્રને મુક્તિ માનવાથી કોઈ જીવ મુમુક્ષુપણે - મોક્ષ મેળવવા માટે પ્રવૃત્તિ કરશે. આમ કદાચ કોઈ વાદી કહે તો તેના ઉપર આ વાદી કહે છે કે માત્ર દુઃખાભાવ હોવો એ કંઈ કલ્યાણકારી પુરુષાર્થ નથી. કારણ કે આવો દુ:ખાભાવ તો મૂર્છિત અવસ્થામાં પણ હોય જ છે. તે મૂચ્છિત દશામાં દુઃખ છે કે દુઃખાભાવ છે તેનું કંઈ સંવેદન થતું નથી. તેવી અવસ્થા મેળવવા માટે કો પંડિતપુરુષ પ્રયત્ન કરે ? અર્થાત્ મુક્તિ જો આવી હોય તો તે ઉપાદેય બનશે નહીં તથા આવી મુક્તિ હોય આ વાત યુક્તિથી પણ સંગત થતું નથી. શાસ્ત્રોમાં જ કહ્યું છે કે -
“જેમાં કોઈપણ પ્રકારનું સંવેદન થતું નથી એવો દુઃખાભાવ પણ પુરુષાર્થ તરીકે આદરવા જેવો મનાતો નથી. કારણ કે કોઈ પંડિતપુરુષ પોતાની જાતને મૂર્છાદિ અવસ્થાવાળો બનાવવા માટે પ્રવૃત્તિ કરતો દેખાતો નથી.”
સારાંશ કે કદાચ કોઈ પણ જાતની ઉપાધિના કારણે આ જીવ મૂર્છિત=બેભાન થયો હોય તો તેને મૂર્છિતપણે રાખવાનું કોઈપણ વડે ઈષ્ટ મનાયું નથી. પરંતુ ઘણા પ્રકારનાં પણ ઔષધો કરીને તે જીવને ચેતનવંતો જ બનાવાય છે તેથી દુઃખાભાવમાત્રને મોક્ષ માનવો તે બરાબર નથી. II૮ ૧