________________
૩૩૬
નિત્યનિયમાદિ પાઠ તીન ભુવન ચૂડારતન સમ શ્રી જિનકે પાય; નમત પાઈએ આપપદ, સબવિધિ બંઘ નશાય. ૬
મોહાદિ વિભાવોની અંતરંગ સેનાના વિજેતા એવા જિન વીતરાગ સર્વજ્ઞ પ્રભુના ચરણારવિંદ ત્રણ લોકના મુગટમણિ સમાન સર્વોત્તમ શ્રેયકારી અને શોભાસ્પદ છે. તે પુનિત ચરણોમાં નમસ્કાર કરતાં આ આત્મા પણ પોતાનું શુદ્ધ આત્મપદ પામે છે અને સર્વ પ્રકારનાં કર્મબંધનોનો નાશ કરી પરમ મુક્ત થાય છે. જેવું ભગવાનનું શુદ્ધ સહજાત્મસ્વરૂપ છે તેવું જ પરમાર્થે આ આત્માનું પણ મૂળ સ્વરૂપ છે. ભગવાનને તે સ્વરૂપ પ્રગટ છે, આને અપ્રગટ છે. તે પ્રગટ સ્વરૂપની વંદના, ઉપાસનાથી પોતાના શુદ્ધ આત્માને સંભારી, તે પ્રગટાવવાની ભાવના પૂર્વક પ્રગટ શુદ્ધ સ્વરૂપને નમતાં, આત્માથી આત્માને નમસ્કાર થાય છે. તેથી આત્મપ્રાપ્તિ થતાં ક્રમે કરી સર્વ કર્મનો નાશ કરી, કર્મબંઘનથી મુક્ત થઈ, જીવ પોતાના શુદ્ધ સહજાત્મસ્વરૂપ પરમ પદને પામી પરમ ઘન્યરૂપ બને છે. ૬
દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશનમ્ દર્શન સ્વર્ગસોપાન, દર્શન મોક્ષસાઘનમ્ ૭
દેવોના દેવ એવા શુદ્ધ સહજાત્મસ્વરૂપ પરમાત્માનું દર્શન એ જ ખરું દર્શન છે. તેની પ્રાપ્તિ પરમ દુર્લભ છે, અથવા તેમણે પ્રકાશેલા સદ્ધર્મની-વીતરાગદર્શનની સતુશ્રદ્ધાપૂર્વક ઉપાસના એ જ આરાઘવા યોગ્ય સર્વોપરી દર્શન છે. ભગવાનના દર્શનથી સર્વ પાપનો નાશ થાય છે. સ્વર્ગપ્રાપ્તિ માટે એ નીસરણી સમાન છે અને એ જ દર્શનથી સાક્ષાત્ મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે મોક્ષનું એ જ સર્વોત્તમ સાઘન છે. ૭