________________
૧૯૮
નિત્યનિયમાદિ પાઠ ભાવાર્થ - ચારિત્રમોહનીય દૂર કરવા, રાગદ્વેષ અથવા ક્રોધ, માન, માયા, લોભ ન કરવા. ક્રોઘને જીતવા ક્ષમા માન ગાળવા વિનય, દીનતા, લઘુતા; માયા જવા પોતાના દોષ ખુલ્લા કરવા ને કાઢી નાખવા, કપટથી ઢાંકવા નહીં, બાળક જેવી સરળતા રાખવી; લોભને જીતવા સંતોષ રાખવો. ટૂંકામાં કષાય રહિત વીતરાગ ભાવમાં રહેવું તો ક્રોઘાદિ ચારિત્રમોહ નાશ પામે છે તેનો અનુભવ થોડો ઘણો દરેકને હોય છે. સાચો માર્ગ સમજાયો, સાચી પકડ થઈ, પછી શંકાઓ કરવાની હોય નહીં. પછી તો તે પ્રમાણે વર્તવા માંડવું. (૧૦૪).
છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાઘશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫
અર્થ – આ મારો મત છે, માટે મારે વળગી જ રહેવું, અથવા આ મારું દર્શન છે, માટે ગમે તેમ મારે તે સિદ્ધ કરવું એવો આગ્રહ અથવા એવા વિકલ્પને છોડીને આ જે માર્ગ કહ્યો છે, તે સાઘશે, તેના અલ્પ જન્મ જાણવા.
અહીં “જન્મ' શબ્દ બહુવચનમાં વાપર્યો છે, તે એટલું જ દર્શાવવાને કે ક્વચિત્ તે સાધન અધૂરાં રહ્યાં તેથી, અથવા જઘન્ય કે મધ્યમ પરિણામની ઘારાથી આરાઘન થયાં હોય, તેથી સર્વ કર્મ ક્ષય થઈ ન શકવાથી બીજો જન્મ થવાનો સંભવ છે; પણ તે બહુ નહીં; બહુ જ અલ્પ. “સમકિત આવ્યા પછી જો વમે નહીં, તો ઘણામાં ઘણા પંદર ભવ થાય,’ એમ જિને કહ્યું છે, અને “જે ઉત્કૃષ્ટપણે આરાઘે તેનો તે ભવે પણ મોક્ષ થાય, અત્રે તે વાતનો વિરોઘ નથી. (૧૦૫)