________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૬૫ એટલે છૂળાદિ પરિણામવાળો છે; અને ચેતન દ્રષ્ટા છે, ત્યારે તેના સંયોગથી ચેતનની ઉત્પત્તિ શી રીતે થાય? અને તેમાં લય પણ કેમ થાય? દેહમાંથી ચેતન ઉત્પન્ન થાય છે, અને તેમાં જ નાશ પામે છે, એ વાત કોના અનુભવને વશ રહી ? અર્થાત્ એમ કેણે જાણ્યું? કેમકે જાણનાર એવા ચેતનની ઉત્પત્તિ દેહથી પ્રથમ છે નહીં, અને નાશ તો તેથી પહેલાં છે, ત્યારે એ અનુભવ થયો કોને ? (૬૨)
ભાવાર્થ – દેહથી આત્મા ઉત્પન્ન થાય એમ કહ્યું તો દેહ પોતે ચેતન રહિત છે, બીજા વડે જણાય જોવાય એવો છે, તે આત્માના ઉત્પત્તિલયને જાણી જોઈ શકે નહીં. તો પછી આત્માના ઉત્પત્તિલય કહ્યા તેને કોણ જાણે ? આત્મા પોતે ઉત્પન્ન થયો એમ ન જાણી શકે કારણકે ઉત્પન્ન થયા પહેલાં પોતાનો અભાવ હતો તેથી તે અભાવ અવસ્થાનો અનુભવ તેને ન હોય અને મરણ પછી તેનો નાશ થાય તો તે નાશ અવસ્થા જાણનાર પોતે ન રહ્યો. ચેતનનાં ઉત્પત્તિ ને નાશ ચેતન પોતે જાણી ન શકે. કોઈ બીજો જે આગળ પાછળ હયાત હોય તે જાણે. તેમાં જડ તો જાણતું નથી. તો અત્યારે જે એમ માને છે કે જન્મ પહેલાં આત્મા ન હતો ને મરણ પછી નહીં હશે તે અનુભવપૂર્વક નથી, પણ અજ્ઞાનયુક્ત કલ્પનાથી મનાય છે. આત્મા અરૂપી જ્ઞાનસ્વરૂપ અખંડ છે. જન્મમરણ દેહના સંયોગ વિયોગથી છે. (૬૨)
જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. ૬૩