________________
પ્રભુ પ્રાર્થનાની સ્તુતિઓ
આવ્યો શરણે તમારા જિનવર કરજો આશ પૂરી અમારી, નાવ્યો ભવપાર મારો તુમ વિણ જગમાં સાર લે કોણ મારી; ગાયો જિનરાજ આજે હરખ અધિકથી પર્મ આનંદકારી, પાયો તુમ દર્શ નાશે ભવભવ ભ્રમણા નાથ સર્વે અમારી. ૧૨ હારાથી ન સમર્થ અન્ય દીનનો ઉદ્ધારનારો પ્રભુ, મ્હારાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતા જડે તે વિભુ; મુક્તિ મંગળ સ્થાન તોય મુજને ઈચ્છા ન લક્ષ્મી તણી, આપો સમ્યગૂ રત્ન શ્યામજીવને તો તૃપ્તિ થાયે ઘણી. ૧૩ દાદા તારી મુખમુદ્રાને અમિય નજર નિહાળી રહ્યો, તારા નયનોમાંથી ઝરતું દિવ્ય તેજ હું ઝીલી રહ્યો; ક્ષણભર આ સંસારની માયા, તારી ભક્તિમાં ભૂલી ગયો, તુજ મૂર્તિમાં મસ્ત બનીને આત્મિક આનંદ માણી રહ્યો. ૧૪ અંતરના એક કોડિયામાં દીપ બળે છે ઝાંખો, જીવનના જ્યોતિર્ધર એને નિશદિન જલતો રાખો; ઉંચે ઉંચે ઉડવા કાજે પ્રાણ ચાહે છે પાંખો, તમને ઓળખું નાથ નિરંજન એવી આપો આંખો. ૧૫ બારે પર્ષદા મધ્યમાં પ્રભુ તમે જ્યારે દીધી દેશના, ત્યારે હું નિર્માગી દૂર વસીઓ તે મેં સુણી લેશ ના; પંચમકાળ કરાળમાં પ્રભુ તમે મૂર્તિ રૂપે છો મલ્યા, મારે તો મન આંગણે સુરતરુ સાક્ષાત આજે ફલ્યા. ૧૬ હે નાથ ! આ સંસાર સાગર ડૂબતા એવા મને, મુક્તિપુરીમાં લઈ જવાને જહાજ રૂપે છો તમે; શિવરમણીના શુભ સંગથી અભિરામ એવા હે પ્રભો, મુજ સર્વ સુખનું મુખ્ય કારણ છો તમે નિત્ય વિભ. ૧૭ વીર પ્રભુના ચરણને પ્રણમી વિનયથી ઉચ્ચકું, મળજો ભવોભવ તાહરૂં શાસન ત્રિપુટી નિર્મળું; આરાધના દૂર રહો પણ રાગ શાસનનો મને, ભવ સિધુ પાર ઉતારશે છે એહ નિશ્ચય મુજ મને. ૧૮